Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

શિકાગોમાં યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના સંચાલકોએ પ્રશંસા દિનની કરેલી રંગેચંગે ઉજવણીઃ ૫૫ જેટલા સ્વયંસેવક ભાઇ-બહેનોનું કરવામાં આવેલું અભિવાદનઃ સંસ્થાના પ્રમુખ રમણભાઇ પટેલે સ્વયંસેવકોને કરેલું પ્રેરક ઉદ્બોધન અને સર્વેએ આપેલ સહકાર બદલ આભારની વ્યકત કરેલી લાગણીઓઃ આગામી ૧૪મી એપ્રીલે મળનાર સભામાં ભગવાન રામના જન્મદિનની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગો : સીનીયરોના હિતાર્થે ડેસપ્લેઇન્સ વિસ્તારમાં યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગો નામની સંસ્થા ઘણાં વર્ષોથી કાર્યવંત છે અને તે સંસ્થાના સંચાલકોએ આખા વર્ષ દરમ્યાન જે સ્વંયસેવક ભાઇ-બહેનોએ નિસ્વાર્થભાવે જે સેવાઓ આપેલ છે તેઓની પ્રશંસા કરવાનો એક ભવ્ય કાર્યક્રમ માર્ચ માસની ૨૩મી તારીખને શનિવારે બપોરે એક વાગે યોજવામાં આવ્યો હતો અને તે વેળા ૫૫ જેટલા સ્વંયસેવક ભાઇ-બહેનોએ હાજરી આપી હતી અને પ્રસંગને દિપાવ્યો હતો.

આ અંગે જાણવા મળે છે તે છેલ્લા અગીયાર વર્ષના સમયગાળા દરમ્યાન સીનીયરોના હિતાર્થે આ સીનીયર મંડળના સંચાલકો કાર્ય કરતા આવેલ છે અને ગયા વર્ષે તેમણે નિસ્વાર્થભાવે મંડળ તેમજ સીનીયરોના હિતાર્થે જે સેવાઓ આપેલ તે તમામ સ્વંયસેવક ભાઇ-બહેનોની પ્રશંસા કરવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો હતો અને તે આધારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના સેક્રેટરી રમેશભાઇ ચોકસીએ સૌનું સ્વાગત કર્યુ હતું અને આજના કાર્યક્રમની આછેરી રૂપરેખા આપી હતી. ત્યારબાદ આ સંસ્થાના અગ્રણી અને પ્રમુખ રમણભાઇ પટેલે પોતાના પ્રસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે સીનીયરોના હિતાર્થે આપણું મંડળ કાર્યવંત છે અને આ સંસ્થાના મોટાભાગના સભ્યો સહકારની ભાવનાથી કાર્ય કરે છે તે નિહાળી આપણે સૌ આનંદની લાગણીઓ અનુભવીએ એ સ્વાભાવીક બીના છે. ગયા વર્ષે જે ભાઇઓ તથા બહેનો આ સંસ્થામાં નિસ્વાર્થભાવે સેવાઓ આપેલ તેઓની પ્રશંસા થવી જોઇએ અને તે અંગેના એક કાર્યક્રમનું મર્યાદિત રીતે આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો જે સૌના માટે ઉચીત પ્રસંગ છે અને મને આ અંગે અંગત રીતે ઘણો આનંદ થાય છે.

તેમણે પોતાના પ્રવચનમાં વિશેષમાં જણાવ્યું હતું કે સૌ સ્વંયસેવક ભાઇ-બહેનો સંસ્થા પ્રત્યે પોતાની ફરજ બજાવે છે તે આનંદદાયક છે અને તેને હું આવકારૂ છું અને આવો ને આવો સહકાર તેમના તરફથી ભવિષ્યમાં પણ મળતો રહેશે એવી અપેક્ષા રાખુ તો તે અસ્થાને ન ગણી શકાય. એવું તેમણે પ્રવચનના અંતમાં જણાવ્યું હતું.

યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના ટ્રસ્ટી મંડળના ચેરમેન મફતભાઇ પટેલ તથા સભ્ય ડો. ભરત બારાઇ, ડો. ધીરેનભાઇ મિસ્ત્રી, છોટાલાલ પટેલ તથા દેવેન્દ્રભાઇ પરીખે પણ આ અગાઉ સ્વંયસેવક ભાઇ-બહેનોને સુંદર કાર્ય કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

વધારામાં જાણવા મળે છે તેમ આવતા એપ્રીલ માસની ૧૪ તારીખને રવિવારે વીલીંગ ટાઉનમાં આવેલ સ્વામીનારાયણ મંદિરમાં ભગવાન રામના જન્મદિનની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશે અને તે પ્રસંગે સભ્યો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો રજુ કરવામાં આવશે અને તે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે.

અંતમાં સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી સૌ વિખુટા પડ્યા હતા

(6:11 pm IST)
  • રેલ્વે ટિકીટો ઉપર મોદીનો ફોટો શા માટે? રેલ્વેને ચૂંટણીપંચનું પૂછાણ : દૂર કેમ ન કર્યા?: ચૂંટણીપંચે રેલ્વેને પૂછ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તસ્વીર શા માટે રેલ્વે ટિકીટો ઉપર છાપવામાં આવી છે : ચૂંટણીપંચે રેલ્વે મંત્રાલયને અને ઉડ્ડયન મંત્રાલયને પત્ર પાઠવી પૂછ્યુ છે કે શા માટે રેલ્વે ટિકીટો અને બોર્ડીંગ પાસ ઉપરથી વડાપ્રધાનની તસ્વીરો દૂર કરવામાં નથી આવી? આ પહેલા એર ઈન્ડિયાને ચૂંટણીપંચે નોટીસો આપી વિમાનના બોર્ડીંગ પાસ ઉપરથી નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીની તસ્વીરો હટાવી લેવા આદેશ આપ્યા હતા access_time 11:33 am IST

  • રાહુલ ગાંધીની 'મીનીમમ ઈન્કમ સ્કીમ' ઉપર માયાવતીના પ્રહાર : જૂઠાણું છે !: નવી દિલ્હી : બસપા સુપ્રિમો માયાવતીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની 'મીનીમમ ઈન્કમ સ્કીમ'ને સંપૂર્ણ જુઠાણું ગણાવેલ છેઃ ઉ.પ્ર.માં સપા - બસપા સાથે કોંગ્રેસે ગઠબંધન ફગાવી દેતા બહેન માયાવતી ભારે નારાજ છે : તેમણે કોંગ્રેસ ઉપર હવે ખુલ્લેઆમ પ્રહારો શરૂ કર્યા છે : તેમણે કહ્યું કે ગરીબોનો વિશ્વાસ કરવામાં, મજાક ઉડાવવામાં ભાજપ અને કોંગ્રેસ બંને એક જ ડાળીના બે ફુલ છે access_time 3:37 pm IST

  • ભાજપના દિલ્હી એકમ દ્વારા લોકસભાની 7 સીટ માટે 31 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર :નવી યાદીમાં ગૌતમ ગંભીરના નામનો કરાયો સમાવેશ :રાજ્યની ભાજપની ચૂંટણી સમિતિ દ્વારા આ પહેલા બનાવેલ 21 સંભવિત ઉમેદવારોની યાદી પાર્ટી હાઇકમાન્ડે ઠુકરાવી હતી : ગૌતમ ગંભીરનું નામ નવી યાદીમાં સામેલ કરાયું છે access_time 1:21 am IST