Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સતત ત્રીજા દિવસે પરત જવું પડ્યું

પાયલટ અને ગેહલોતથી નારાજ રાહુલ ગાંધીઃ મળવાનો કર્યા ઇન્કાર

નવી દિલ્હી, તા.૨૯: લોકસભા ચૂંટણી ૨૦૧૯માં મળેલી હાર બાદથી કોંગ્રેસમાં ચાલી રહેલું ઘમાસાણ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. પાર્ટીમાં અત્યાર સુધી ૧૩ મહત્વપૂર્ણ નેતાઓએ પોતાના પદોથી રાજીનામું આપી દીધું છે અને અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાજીનામું આપવાની રજૂઆત પર અડગ છે. એવા અહેવાલો આવી રહ્યા છે કે રાહુલ કેટલીક શરતોની સાથે પદ પર ચાલુ રહેવા તૈયાર છે, પરંતુ રાજસ્થાનમા્ર મળેલી હાર બાદ અશોક ગેહલોત અને સચિન પાયલટથી તેમની નારાજગી હવે જાહેર થવા લાગી છે.

મળતી જાણકારી મુજબ, મંગળવારે રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત રાહુલને મળવા માટે પહોંચ્યા હતા. જોકે, રાહુલે સતત બીજા દિવસે તેમને મળવાનો ઇનકાર કરી દીધો. બંનેએ થોડી વાર રાહ પણ જોઈ, પરંતુ બાદમાં માત્ર પ્રિયંકા ગાંધી સાથે જ મુલાકાત બાદ બંનેને પરત જવું પડ્યું.

મળતી માહિતી મુજબ, રાહુલ હજુ પણ અશોક ગેહલોતથી નારાજ છે કારણ કે તેમનું માનવું છે કે દીકરાની ચૂંટણી પર ધ્યાન આપવા માટે તેઓએ રાજયની તમામ સીટો પર ધ્યાન ન આપ્યું. સચિન પાયલટથી નારાજગીનું કારણ રાજસ્થાનમાં કોંગ્રેસની જૂથબંધી માનવામાં આવી રહી છે. રાહુલને લાગે છે કે ગેહલોત-સચિનની જૂથબંધીના કારણે જ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ પણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ સીટ ન જીતી શકી.

નોંધનીય છે કે, હારની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી સીડબલ્યૂસી મીટિંગમાં રાહુલે અશોક ગેહલોત, કમલનાથ અને ચિદમ્બરમ જેવા સિનીયર નેતાઓ પર નારાજગી જાહેર કરતાં કહ્યું હતું કે આ નેતાઓએ દીકરાની સીટો પર ધ્યાન આપ્યું જેનાથી પાર્ટીને નુકસાન થયું.

જોકે, એવા અહેવાલો છે કે રાહુલ પાર્ટીનું નેતૃત્વ કરવા માટે તૈયાર થઈ ગયા છે પરંતુ તેઓએ કેટલીક શરતો મૂકી છે. કથિત રીતે રાહુલે પાર્ટીને નવા અધ્યક્ષ પસંદ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. બીજી તરફ, આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ અને રજનીકાંત જેવા નેતાઓએ તેમને પદ ન છોડવાની સલાહ આપી છે.

(3:10 pm IST)