Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ઓરીસ્સામાં પાંચમી વાર પટનાયક સરકાર અરૂણાચલમાં પેમા ખાંડુના શપથ ગ્રહણ

લોકસભાની સાથે બન્ને રાજયોમાં વિધાનસભાની ચૂંટણી યોજાયેલ

નવી દિલ્હી,તા.૨૯: લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા પછી હવે સરકારના ગઠનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી ગુરૂવારે શપથ લેવાના છે ત્યારે આજે નવીન પટનાયક ઓરિસ્સાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. ઓરિસ્સામાં આ વખતે લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ થઈ હતી. તેમાં નવીન પટનાયકને નોંધપાત્ર સફળતા મળી છે. તે ઉપરાંત આજે અરૂણાચલ પ્રદેશમાં પણ પેમા ખાંડુ સીએમ પદના શપથ લઈને રાજયની કમાન સંભાળશે.

છેલ્લા બે દશકાથી ઓરિસ્સામાં સત્તા સંભાળનાર નવીન પટનાયકને આ વિધાનસભા ચૂંટણીમાં પણ ઐતિહાસીક જીત મળી છે. ૧૪૭ વિધાનસભા સીટવાળી ઓરિસ્સામાં બીજૂ જનતા દળને કુલ ૧૦૫, બીજેપીને ૨૭, કોંગ્રેસને ૧૩ અને સીપીએમને ૧ સીટ મળી છે. આજે નવીન પટનાયક પાંચમી વખત સીએમ પદના શપથ લેવાના છે. આ સંજોગોમાં તેમના મંત્રી મંડળમાં કોણ કોણ સામેલ થશે તેના ઉપર પણ બધાની નજર રહેશે. અહીં લોકસભા ચૂંટણીમાં બીજેપીને ૮ સીટ મળી છે જયારે બીજુ જનતા દળને ૧૩ સીટ પર જીત મળી છે.

પૂર્વોત્તર રાજયોમાં સતત મહેનત કરતી ભારતીય જનતા પાર્ટીએ અરૂણાચલ પ્રદેશમાં તેમના દમ પર સત્તા મેળવી છે. અરૂણાચલમાં કુલ ૬૦ વિધાનસભા સીટ પર ચૂંટણી થઈ હતી તેમાંથી ભાજપને ૪૧ સીટ પર જીત મળી છે. કોંગ્રેસને અહીં માત્ર ૪ સીટો મળી છે જયારે જેડીયુને સાત બેઠક મળી છે. પેમા ખાંડુ પણ આજે મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે.

(11:28 am IST)