Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

પાકિસ્તાનમાં ઈશ્વર નિંદાના આરોપમાં હિંદુ પશુ ડોક્ટરની ધરપકડ:દવાખાનું સળગાવ્યું :હિંદુઓની દુકાનોમાં લૂંટફાટ

ધાર્મિક પુસ્તકનાં પાનાં ફાડીને તેમાં દવા આપી હતી:ડોકટરે કહ્યું જાણી જોઈને કર્યું નથી ભૂલથી થયું છે

પાકિસ્તાનના દક્ષિણ-પૂર્વ પ્રાંતમાં એક હિંદુ પશુ ડૉક્ટરની ઈશ્વર નિંદાના આરોપસર ધરપકડ કરાઈ છે આ પશુ ડૉક્ટર પર આરોપ છે કે તેમણે ધાર્મિક પુસ્તકનાં પાનાં ફાડીને તેમાં દવા આપી હતી.

 આ ઘટના બાદ મિરપુરખાસના ફુલડયનમાં આવેલા ડૉક્ટરના દવાખાનાને સ્થાનિક લોકોએ સળગાવી દીધું હતું અને વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી.સિંધ પ્રાંતના આ વિસ્તારમાં હિંદુઓની દુકાનોમાં પણ લૂંટફાટ કરવામાં આવી હતી

  પશુ ડૉક્ટર દવા આપવા માટે જે પાનાનો ઉપયોગ કર્યો હતો તે કથિત રીતે ઇસ્લામિક શિક્ષણ આપતા એક પાઠ્યપુસ્તકમાંથી ફાડવામાં આવ્યાં હતાં.જોકે, ડૉક્ટરનું કહેવું છે કે તેમણે આવું જાણી જોઈને કર્યું નથી અને તેમનાથી આ ભૂલ થઈ છે.જો આ મામલામાં તેઓ દોષિત ઠરશે તો તેમને આજીવન જેલની સજા થઈ શકે છે.

 અહેવાલ મુજબ પશુ ડૉક્ટરે કથિત રીતે બીમાર પશુ માટે શાળાના પાઠ્યપુસ્તકના પાનામાં દવા વાળીને આપી હતી.જોકે, ગ્રાહકે પાના પર ધાર્મિક લખાણ જોયું અને તેઓ સીધા સ્થાનિક મૌલવી પાસે ગયા.સ્થાનિક મસ્જિદના મૌલવીએ પોલીસને આ મામલે જાણ કરી હતી. જે બાદ પશુ ડૉક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી .

ધાર્મિક રાજકીય પક્ષ જમિયત ઉલેમા-એ-ઇસ્લામીના નેતા મૌલાના હાફીઝ-ઉર-રહેમાને કહ્યું કે ડૉક્ટરે જાણી જોઈને આ કૃત્ય કર્યું છે.જોકે, પોલીસના જણાવ્યા પ્રમાણે પશુ ચિકિત્સકે સતત એ વાત પર ભાર મૂક્યો છે કે તેમણે ભૂલથી એ કાગળનો ઉપયોગ કર્યો છે.

(11:26 am IST)