Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

જ્યાં પાણી વધુ ખારૂ નથી ત્યાં આરઓ પ્યુરીફાયર ઉપર પ્રતિબંધ મુકો

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સરકારને આપ્યો નિર્દેશઃ લોકોને આરઓ પ્યુરીફાયરની ખરાબ અસરોથી જાગૃત કરવા જરૂરીઃ પાણીમાં પ્રતિ લીટર ટીડીએસની માત્રા ૫૦૦ એમ.જી. હોય તો આરઓ કામ નથી કરતુ એટલુ જ નહિ તેમા રહેલા મહત્વના ખનીજો દૂર થઈ જાય છેઃ પ્રતિ લીટર પાણીમાં ૩૦૦ એમ.જી.થી નીચે ટીડીએસ શ્રેષ્ઠ ગણાય છેઃ ૯૦૦ એમ.જી. ખરાબ અને ૧૨૦૦ એમ.જી. અસ્વિકાર્ય છે

નવી દિલ્હી, તા. ૨૯ :. આરઓ પ્યુરીફાયરના ઉપયોગને નિયંત્રીત કરવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સરકારને નિર્દેશ આપ્યો છે કે તે એવી જગ્યા પર તેના પ્રયોગ ઉપર પ્રતિબંધ લગાવે જ્યાં પાણીમાં કુલ ટીડીએસની માત્રા પ્રતિ લીટર ૫૦ એમ.જી.થી નીચે હોય. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનું કહેવુ છે કે, જે વિસ્તારમાં પાણી વધુ ખારૂ ન હોય ત્યાં આરઓ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવે. જ્યાં પાણી વધુ ખારૂ ન હોય ત્યાં આનો ઉપયોગ થવો ન જોઈએ. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે વધુમાં જણાવ્યુ છે કે, કેન્દ્ર સરકાર લોકોને આરઓના ખરાબ પ્રભાવ અંગે પણ જાગૃત કરે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સરકારને નિર્દેશ આપ્યો છે કે, જ્યાં પણ આરઓ લગાડવાની મંજુરી આપવામાં છે ત્યાં ૬૦ ટકા પાણીની વસુલીને અનિવાર્ય કરવામાં આવે. આ બારામાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની બનાવવામાં આવેલી કમિટીએ જણાવ્યુ છે કે પાણીમાં પ્રતિ લીટર ૫૦૦ એમ.જી. થવા પર આરઓ કામ નથી કરતુ ઉલ્ટાનું તે તેમા મોજુદ અનેક મહત્વના ખનીજો દૂર કરી પાણી પણ બરબાદ કરે છે.

ટીડીએસ અકાર્બનિક લવણની સાથે જ કાર્બનિક લવણની સાથે મળીને બને છે. ડબલ્યુએચઓના અભ્યાસ અનુસાર પ્રતિ લીટર પાણીમાં ૩૦૦ એમ.જી.થી નીચે ટીડીએસ સારૂ ગણાય છે. જ્યારે ૯૦૦ એમ.જી. ખરાબ અને ૧૨૦૦ એમ.જી. અસ્વીકાર્ય છે. રીવર્સ ઓસમોસીસ થકી પાણીમાં મોજુદ અશુદ્ધિ દૂર કરવામાં આવે છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે એવુ પણ કહ્યુ છે કે ૬૦ ટકાથી વધુ પાણી આપનાર આરઓની જ મંજુરી આપવામાં આવે. સરકારની પ્રસ્તાવિત નિતીઓમાં આરઓથી ૭૫ ટકા પાણી મળવા અને રીજેકટ થઈને નિકળતા પાણીનો ઉપયોગ વાસણ ધોવામાં, રૂમ ધોવામાં, બગીચામાં નાખવામાં, ગાડી ધોવામા વગેરે પર કરવો જોઈએ. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સરકારને એવુ પણ કહ્યુ છે કે લોકોને મિનરલવાળા પાણીથી તબીયતને સંભવિત નુકશાન અંગે પણ જણાવવામાં આવે. આ કમિટીએ કહ્યુ છે કે ટીડીસી ૫૦૦ મીલીગ્રામ પ્રતિ લીટરથી ઓછી હોય તો આરઓ પ્રણાલી ઉપયોગી નથી એટલુ જ નહિ તેનાથી મહત્વના ખનીજો નિકળી જશે અને સાથોસાથ પાણીની બરબાદી પણ થશે.

(10:45 am IST)