Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અડધુ ભારત દુષ્કાળના જડબામાં: લોકોની કફોડી સ્થિતિ

દક્ષિણ ભારતના મોટા ભાગના રાજ્યોમાં મોટી સમસ્યાઃ મોદી સરકારે મદદની પ્રાથમિકતા આપવી પડશેઃ ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક, આંધ્ર સહિતના રાજ્યોમાં પાણી, ઘાસચારાની સમસ્યા મોઢું ફાડીને ઉભી થઈ

નવી દિલ્હી, તા. ૨૯ :. આવતીકાલે કેન્દ્રમાં નવી સરકાર રચાઈ રહી છે ત્યારે તેની ટોચની પ્રાથમિકતામાં દુષ્કાળનો સામનો કરતા રાજ્યોને મદદ કરવાની બાબત રહેશે ખાસ કરીને દક્ષિણના રાજ્યો. ગયા વર્ષે અપુરતા વરસાદને કારણે દેશનો અડધોઅડધ ભાગ એટલે ૪૦ ટકા વિસ્તારમાં દુષ્કાળના ઓળા ઉતરી આવ્યા છે.

દક્ષિણના રાજ્યોમાં ૪૯ ટકા જેટલી વરસાદની ખાધ રહેવા પામી હતી. તામિલનાડુમાં ૩૨માંથી ૧૩ જિલ્લાઓમાં સામાન્ય કરતા ૮૦ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. કેરળના ૧૪માંથી ૧૨ જિલ્લામાં અને કર્ણાટકના ૧૬માંથી ૧૨ જિલ્લાઓમાં વરસાદની ખાધ ૫૦ ટકા જેટલી રહેવા પામી હતી. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારમાં પાણી અને ઘાસચારાની મોટી સમસ્યા ઉભી થવા પામી છે.

ગયા વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાયો હતો જેના કારણે દેશના અનેક રાજ્યોમાં દુષ્કાળના ડાકલા વાગ્યા છે. અનેક વિસ્તારોમાં પાણી નથી, જળાશયો અને ડેમો સુકાઈ ગયા છે, ઘાસચારાની સમસ્યા ઉભી થઈ છે અને તેની માઠી અસર ગ્રામીણ અર્થતંત્ર પર પણ પડી છે. ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની મોટી સમસ્યા ઉભી થઈ છે. દૂર દૂરના ગામડાઓમાં નિયમીત રીતે પાણી નહિ મળતા લોકોની મુશ્કેલી વધી છે. એટલુ જ નહિ કૂવા પણ ઉંડા ચાલ્યા ગયા છે અને તેમા પણ પાણી ખાલી થઈ ગયુ છે.

આંધ્ર, તેલંગણા, કર્ણાટક, તામીલનાડુ સહિતના રાજ્યોમાં પાણીની કારમી તંગી અનુભવવામાં આવી રહી છે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ ખરાબ પરિસ્થિતિ ઉભી થઈ છે. કાળઝાળ ગરમીએ મુશ્કેલીમાં વધારો કર્યો છે.

(10:07 am IST)