Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કઇ કઇ સાવધાની રાખવાની?

સાવધાન... તમે દુધ-બ્રેડ લેવા જાવ છો તો કોરોના વાયરસને લઇને તો નથી આવતાને?

નવી દિલ્હી, તા.૨૮: કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે પરંતુ કયાંક એવું ન થાય કે આપણી બેદરકારીના કારણે આ યોજના નિષ્ફળ જાય. લોકડાઉનમાં લોકોને જરૂરી સામાન મળી રહે તે માટે રાજય સરકારોએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આ સાથે જ ખાવા-પીવાના જરૂરી સામાનની દુકાનો પણ ખુલ્લી છે. ધ્યાન એ રાખવાનું છે કે કયાંક દૂધ-બ્રેડ ખરીદવાના ચક્કરમાં તમે કોરોના વાયરસને તમારા દ્યર સુધી લઈને ન આવો.

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સરકારી પગલા સિવાય જનતાનો સપોર્ટ પણ જરૂરી છે. પ્રયાસ કરવો જોઈએ કે તમે ઘરની અંદર જ રહો અને કોઈ સામાન જરૂરી હોય તો તેને ખરીદતી વખતે સાવધાની રાખવી જોઈએ.

પ્રયાસ કરો કે જરૂરિયાતનો સામાન હેલ્પલાઈન પર ફોન કરીને મગાવો અને સ્ટોર પર જવાથી બચો. સ્ટોર પર દિવસ દરમિયાન ઘણા લોકો આવે છે. તેવામાં લેવડદેવડની પ્રક્રિયામાં સંક્રમણનો ખતરો વધારે રહે છે.

બિગ બજાર અને અન્ય સ્ટોર વોટ્સએપ અથવા ફોન નંબર પર ઓર્ડર લે છે. જો તમારા ઘરે ડિલિવરી બોય આવે છે તો પણ તમારે સાવચેત રહેવાની જરૂર છે. સામાન લેતા પહેલા હાથને સાબુથી ધોવો અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો. સામાનને સુરક્ષિત રાખ્યા બાદ પણ સાફ-સફાઈ પર ધ્યાન આપો.

જો કોઈ જરૂરી સામાન લેવા માટે બહાર જવું પડે તો માસ્ક લગાવવાનું ન ભૂલશો. સાથે જ જતા પહેલા અને આવ્યા બાદ હાથને સારી રીતે ધોવા.

બજાર અથવા દુકાન પર પહોંચ્યા બાદ પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખો. જો ભીડ હોય તો દૂર ઊભા રહીને તમારો નંબર આવે તેની રાહ જુઓ. દુકાનદારથી પણ એક મીટરથી દૂર રહો.

બની શકે તો પેમેન્ટ ડિજિટલ ટ્રાન્ઝેકશન દ્વારા કરો. રોકડની લેવડદેવડથી પણ સંક્રમણનો ખતરો થાય છે. જો કે, હાથ સરખી રીતે ધોવામાં આવે તો બચી શકાય છે. તેના કરતાં ડિજિટલ ટ્રાન્ઝેકશન વધારે સારૃં રહેશે, કારણ કે તમે રોકડ મેળવવા માટે ATM સુધી જવાથી બચી જશો.

જો તમે દૂધ, બ્રેક અથવા રાશન લેવા જાઓ તો પોતાની સાથે કાપડનો થેલો રાખવો. એક તો તેનાથી પર્યાવરણની સુરક્ષા થશે સાથે જ સંક્રમણનો ખતરો ઓછો થશે.

રસ્તામાં કોઈ મળી જાય તો તેની સાથે વાત કરવા ન ઊભા રહો. માસ્ક પહેરવાથી તમને બમણો ફાયદો થશે. તે તમને સંક્રમણથી બચાવશે અને બીજું કે લોકો તમને ઓળખી પણ નહીં શકે. દુકાનથી પરત આવ્યા બાદ કાપડની થેલીને ગરમ પાણીથી ધોઈ લો. આ સિવાય તમારા હાથને પણ સાફ કરો.

(3:58 pm IST)