Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

હિમાચલ સંર્પક વિહોણું : તાપમાન શૂન્યથી નીચેઃ નદી-ઝરણા થીજયાઃ આજે - કાલે વાતાવરણ ખરાબ રહેશે

ટનલ-રસ્તાઓ બંધઃ વાહનવ્યવહાર ઠપ્પઃ કુલ્લુથી હેલીકોપ્ટર સેવા શરૂ કરવા કવાયત

શિમલાઃ હિમાચલમાં એકવાર ફરી હવામાને કરવટ બદલી છે. રાજયના પર્વતોની ચોટીઓ બરફથી ઢંકાઇ ગઇ છે. રાજધાની શિમલા સહિત કેટલાય વિસ્તારોમાં વરસાદથી ઠંડી પડવાની શરૂ થઇ ગઇ છે. લાહૌલ-સ્પીતીમાં બરફવર્ષા બાદ ઝરણા, તળાવો અને પીવાના પાણીના સ્ત્રોત જામી જતા લોકોની મુશ્કેલીઓ વધી ગઇ છે.

હવામાન ખાતાએ આજે વરસાદ, ઓલાવૃષ્ટી અને પર્વતોની ટોચ ઉપર ભારે બરફવર્ષાની ચેતવણી આપી છે. કાલે પણ વાતાવરણ ખરાબ જ રહેશે. બે ડિસેમ્બર સુધી તડકાની સંભાવના છે. તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. સૌથી ઓછુ તાપમાન કેલાંગમાં માઇનસ ૩.૪ ડીગ્રી નોંધાયેલ જયારે પર્યટન સ્થળો રોહતાંગ, મનાલી અને લાહૌરની ઉંચી ટોચ ઉપર બરફવર્ષા નોંધાયેલ. દર્રા અને ટનલ બંધ થવાથી બચાવ ટુકડીએ બે લોકોને પગપાળા જ રોહતાંગમાંથી ખસેડેલ.

સમગ્ર લાહૌલ ઘાટી પ્રચંડ ઠંડીની લપેટમાં છે. જેનો અંદાજો નદી, ઝરણા થીજી જવાની આવી શકે છે. વૃક્ષો ઉપર પણ બરફની ચાદર થઇ ગઇ છે. બરફ વર્ષાથી લાહૌલ  ઘાટીનો સંપર્ક તુટયો છે. સુરંગ અને રસ્તો બંધ થતા વાહનવ્યહાર ખોરવાયો છે. દર્દીઓ ઉપરાંત સરકારી કર્મચારીઓની મુશ્કેલી વધી ગઇ છે. ઘાટીમાંથી બાહર નીકળવા હેલીકોપ્ટર એક માત્ર રસ્તો છે.

બીજી તરફ સિરમૌરના ચુડધાર, મંડીના, શિકાર દેવી, કમરૂનાગ, પાંગી, ભરમૌર અને કિન્નૌરના ઉંચા શિખરોએ હિમપાત શરૂ થયો છે. મંડીના બનાલામાં પહાડોમાંથી  પથ્થરો પડતા મનાલી - ચંદીગઢ હાઇવે ગઇકાલે સવાર સુધી બંધ રહેલ.

હિમાચલના શિમલામાં ૧૩.૬, સુંદરનગર ૧૯.૩, ભૂંતર ૧૯.૪, કલ્પા ૮.૩, ધર્મશાળા ૧૪.૬, ઉના ૨૪.૨, નાહન ૨૦.૧, સોલન ૧૮, કાંગડા ૨૨.૭, બિલાસપુરા ૨૧.૫, હમીરપુર ૨૧.૧, ચંબા  ૧૯.૪, ડલહૌઝી ૮.૭ અને કેલાંગમાં ૩.૩ ડિગ્રી તાપમાન નોંધાયેલ. લાહૌલ ઘાટીમાં ઠંડીથી હવામાન ગત વર્ષની જેમ પાક માટે સંકટ ઉભો કરી શકે છે. તંત્રએ જણાવેલ કે બધા જ અનોજોનું ભંડારણ કરી લેવાયું છે. ટુંક સમયમાં હેલીકોપ્ટર સેવા કુલ્લુમાં શરૂ કરાશે.

(3:49 pm IST)