Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

''સામના''માં તીખા પ્રહારો

ભાજપ સંપૂર્ણ રીતે નગ્ન થઇ ગયોઃ પૈસાના થેલા લઇ ધારાસભ્યોની પાછળ ફરી રહ્યો હતો

બહુમતી ખરીદવામાં નિષ્ફળતા મળી

મુંબઇ તા. ર૭: મહારાષ્ટ્રમાં બદલાયેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે શિવસેનાએ તેના મુખપત્ર ''સામના'' દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. 'સામના'માં શિવસેનાએ ભાજપ પર તીખાં તીર વરસાવતાં લખ્યું છે કે અજિત પવારે તો અંતિમ ક્ષણોમાં પોતાનું વસ્ત્રાકરણ રોકી લીધું, પરંતુ ભાજપ સંપૂર્ણ રીતે નગ્ન થઇ ગયો. આ સાથે જ દેવેન્દ્ર ફડણવીસને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

'સામના'માં લખ્યું છે કે બહુમતીનો આંકડો ન હોવા છતાં ફડણવીસે મુખ્ય પ્રધાનપદના શપથ લીધા, આ પહેલો અપરાધ હતો. જેના સમર્થનથી તેમણે શપથ લીધા હતા તે અજિત પવાર પર લાગેલા ભ્રષ્ટાચારના તમામ આરોપોને ફકત ચાર કલાકમાં રદ કરી દીધા એ બીજો અપરાધ. આ અપરાધ માટે મુંબઇના રાજ ભવનની પસંદગી કરવામાં આવી હતી. જયાં બંધારણનું રક્ષણ થવું જોઇએ ત્યાં જ બંધારણના રક્ષકોએ અપરાધોને આવરી લીધા હતા.

મુખપત્ર 'સામના'ના સંપાદકીયમાં પ્રહાર કરતાં લખ્યું છે કે બંધારણદિને જ સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આવવો અને થેલાશાહી (પૈસાની લાલચ) અને દમનની રાજનીતિ કરનારાઓને ઝટકો લાગવો આ પણ એક સુખદ સંયોગ કહી શકાય. શાસકોએ ભલે લોકશાહીનાં મૂલ્યો અને સિદ્ધાંતોને વેચી માર્યા હોય પણ તેને સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. એજન્ટો પૈસાની બેગ લઇને ધારાસભ્યોની પાછળ ફરતા હતા. બહુમતી ખરીદીને રાજ કરવાનો તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો.

શિવસેનાએ 'સામના'માં પૂરી કડવાશ સાથે લખ્યું છે કે જે અજિત પવારના સમર્થનથી ફડણવીસે સરકાર રચવાનો દાવો કર્યો તેમણે પહેલાં જ નાયબ મુખ્યપ્રધાનપદ પરથી રાજીનામું આપી દીધું અને તેમની સાથે બે ધારાસભ્ય પણ બચ્યા નહીં. આ વાતનો વિશ્વાસ થતાં જ દેવેન્દ્ર ફડણવીસે પણ વિદાય લેવી પડી. ભ્રષ્ટ અને ગેરકાયદે રસ્તાઓથી મહારાષ્ટ્રની ગરદનપર બેઠેલી સરકારની માત્ર ૭ર કલાકમાં વિદાય થઇ ગઇ.

(3:36 pm IST)