Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

અંતરિક્ષમાં લોન્ચ થઇ 'ભારતની આંખ'

ઇસરોએ ફરી ઇતિહાસ રચ્યો : ૧૩ નેનો સેટેલાઇટ સાથે કાર્ટોસેટ-૩નું સફળ પ્રક્ષેપણઃ આતંકીઓ ઉપર આસમાનથી રહેશે નજર : સીમા પારથી ઘુસણખોરી અટકશેઃ જરૂર પડયે સેટેલાઇટની મદદથી સર્જિકલ કે એરસ્ટ્રાઇક કરી શકાશે

નવી દિલ્હી, તા. ર૭ : ભારતીય અંતરિક્ષ એજન્સી 'ઇસરો'એ આજે દેશની સુરક્ષા માટે ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ આજે સવારે ૯-ર૮ કલાકે મિલિટ્રી સેટેલાઇટ કાર્ટોસેટ-૩નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. હવે ભારતીય સૈન્ય પાકિસ્તાનની નાપાક હરકત અને તેની આતંકી પ્રવૃતિઓ પર બાજ જેવી નજર રાખી શકશે. જરૂર પડયે આ સેટેલાઇટની મદદથી સર્જિકલ કે એરસ્ટ્રાઇક પણ કરી શકાશે.

ઇસરોએ કાર્ટોસેટ-૩ સેટેલાઇટને આજે સવારે શ્રીહરિકોટા દ્વીપ પર સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચપેડ-ર થી લોન્ચ કર્યો હતો. કાર્ટોસેટ-૩ સેટેલાઇટ પીએસએલવી-સીમનું રોકેટથી છોડાયો છે. કાર્ટોસેટ-૩ પૃથ્વીથી પ૦૯ કિમીની ઉંચાઇ પર ચક્કર લગાવશે.

આજે આ પ્રસંગે ઇસરોના ચીફ કે. સિવન પણ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્ટોસેટ-૩ને ભારતની આંખ પણ કહેવાય છે કારણ કે તેનાથી મોટાપાયે મેપીંગ થઇ શકશે જેથી શહેરોના પ્લાનીંગ અને ગ્રામીણસ્તરે સંશાધનોનું પ્રબંધન પણ થઇ શકશે.

દેશના સૌથી શકિતશાળી લશ્કરી સેટેલાઇટ કાર્ટોસેટ-૩ થકી ભારતીય દળો દુશ્મન દેશો અને એની આતંકવાદી પ્રવૃત્તિઓ પર ગરૂડની જેમ નજર રાખી શકશે. કાર્ટોસેટ-૩ એ એની શ્રેણીનો નવમો ઉપગ્રહ છે. કાર્ટોસેટ-૩નો કેમેરો એટલો શકિતશાળી છે કે એ પ૦૯ કિલોમીટરની ઉંચાઇથી સ્પષ્ટ તસવીર લઇ શકશે. એટલે કે તમે તમારા કાંડા પર બાંધેલી ઘડિયાળ પર બતાવેલા સમય વિશે સચોટ માહિતી પણ આપશે.

કાર્ટોસેટ-૩નો કેમેરો એટલો શકિતશાળી છે કે કદાચ હજી સુધી કોઇ પણ દેશે આટલી ચોકસાઇ સાથે સેટેલાઇટ કેમેરો લોન્ચ કર્યો નથી. અમેરિકાની પ્રાઇવેટ સ્પેસ કંપની ડિજિટલ ગ્લોબનું જીઓઆઇ-૧ ઉપગ્રહ ૧૬.૧૪ ઇંચની ઉંચાઇ સુધીના ફોટો લઇ શકે છે.

કાર્ટોસેટ-૩ ઉપગ્રહને પીએસએલવી-સી૪૭ રોકેટ દ્વારા લોન્ચ થયો છે. પીએસએલવીની ૭૪મી ફલાઇટ કાર્ટોસેટ-૩ની સાથે યુ.એસ.ના અન્ય ૧૩ નેનો ઉપગ્રહ પણ છોડવામાં આવ્યા છે.

કાર્ટોસેટ-૧, કાર્ટોસેટ શ્રેણીનો પ્રથમ ઉપગ્રહ, પ મે ર૦૦પના પ્રથમ વખત લોન્ચ થયો હતો. ૧૦ જાન્યુઆરી ર૦૦૭ના કાર્ટોસેટ-ર, ર૮ એપ્રિલ, ર૦૦૮ના  કાર્ટોસેટ-ર એ, ૧ર જુલાઇ ર૦૧૦ના  કાર્ટોસેટ-ર બી, રર જુન ર૦૧૬ના કાર્ટોસેટ-ર સીરીઝ સેટેલાઇટ, ૧પ ફેબ્રુઆરી ર૦૧૭ના કાર્ટોસેટ-ર સિરીઝ સેટેલાઇટ, ર૩ જુન ર૦૧૭ના કાર્ટોસેટ-ર, ર સીરિઝ સેટેલાઇટ અને કાર્ટોસેટ-ર સિરીઝ સેટેલાઇટસ  ૧ર જાન્યુઆરી, ર૦૧૮ના લોન્ચ કરવામાં આવ્યા હતાં.

કાર્ટોસેટ-૩નો ઉપયોગ દેશની સરહદો પર નજર રાખવા માટે કરવામાં આવશે. એ કુદરતી આફતોમાં પણ મદદ કરશે. આ મિશન પાકિસ્તાન અને એની આતંકવાદી છાવણીઓ પર નજર રાખવા માટે દેશની સૌથી શકિતશાળી નજર રહેશે. એ સીમાઓનું નિરીક્ષણ કરશે.

(11:34 am IST)