Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

પહેલા કર્ણાટક અને પછી મહારાષ્ટ્રમાં ભાજપે ભૂલ કરી : ઓછી સંખ્યા છતાં સત્તા માટે પ્રયાસ

અજિત પવાર ઉપર આંખ બંધ કરી ભરોસો કરવાનું ભાજપને મોંઘુ પડયું: કર્ણાટકમાં પણ યેદીયુરપ્પાને તત્કાલ રાજીનામુ આપવું પડયું હતું

નવી દિલ્હી, તા. ર૭ : અજિત પવારે ભાજપને સત્તા માટે પૂરતા નંબર ઉપલબ્ધ કરાવી દેવાનું વચન આપ્યું અને ભાજપને તેમની આ વાત પર આંખ બંધ કરીને ભરોસો કરવાનું ભારે પડયું. એના કારણે ભાજપની પ્રતિષ્ઠાનું ધોવાણ એ પ્રકારે થયું કે જેવું કર્ણાટકની ચૂંટણી પછી થયું હતું.

ર૦૧૮માં કર્ણાટકની ચૂંટણી પછી ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો પણ બહુમતી માટે ૭ સભ્યો ખૂટયા તે પછી ભાજપે વિપક્ષોને ખેંચવાના પ્રયાસો કર્યા. ભાજપને આશા હતી કે ૭ ધારાસભ્યો તેમની તરફ આવી જશે અને એ આશામાં યેદીયુરપ્પાએ સીએમ પદના શપથ પણ લીધા, પણ પૂરતું સંખ્યાબળ ન થતાં તેમને રાજીનામુ આપવું પડયું. મહારાષ્ટ્ર અને કર્ણાટક બંનેમાં સુપ્રિમ કોર્ટે પ્રોટેમ સ્પીકરના નેતૃત્વમાં ફલોર ટેસ્ટ કરાવવા કહ્યું. બંને મામલે મુખ્યમંત્રીઓએ રાજીનામા દેવા પડયા.

મહારાષ્ટ્ર અને હરિયાણા ચૂંટણી બાદ અને ઝારખંડની ચૂંટણી પહેલા ભાજપને એ સવાલ વાર઼વાર પૂછાશે કે સત્તા મેળવવા માટે અજિત પવાર ઉપર ભરોસો કરવો ઠીક હતો ? હોય શકે કે ભાજપે શરદ પવારની તાકાત ઓછી આંકી હોય તેથી જ ર૦૧૪માં ભાજપને બીનશરતી ટેકો આપનાર શરદ પવારનો ટેકો ન મળ્યો.

ભાજપનું કહેવું હતું કે પહેલા એવી રણનીતિ હતી કે, શિવસેના વિજયને સ્વીકારે અને પોતે વિપક્ષમાં બેસે. ત્રણેય વિપરિત વિચારધારા વાળા પક્ષની રાજનીતિ જુવે અને લોકો વચ્ચે ફાયદો ઉઠાવે.  ભાજપની સત્તા લાલસાની સમગ્ર દેશમાં ચર્ચા છે.

(11:32 am IST)