Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કર્ણાટક : હવે દક્ષિણ કન્નડમાં શિશુને કોરોનાની અસર થઇ

શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તપાસથી તારણ : નાના બાળકો માટે કોરોના વધુ ખતરનાક નથી : અહેવાલ

બેંગ્લોર, તા. ૨૭  : કર્ણાટકમાં દક્ષિણ કન્નડ જિલ્લામાં ૧૦ મહિનાના બાળકને કોરોના હોવાની વિગત સપાટી ઉપર આવી છે. દક્ષિણ કન્નડના ડેપ્યુટી કમિશનર સિંધુ બી રુપેશ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી હતી. એક દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આઠ મહિનાના બાળકને કોરોના વાયરસની અસર હોવાનો મામલો સપાટી ઉપર આવ્યો હતો. એમ માનવામાં આવે છે કે, ૧૦ મહિનાના આ બાળકને શ્વાસ લેવામાં ખુબ તકલીફ થઇ રહી હતી જેના કારણે તેને મેંગ્લોરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. બાળકની ચકાસણી કરવામાં આવ્યા બાદ તે કોરોનાથી ગ્રસ્ત હોવાની વિગત સપાટી ઉપર આવી છે. ડીસી રુપેશે માહિતી આપતા કહ્યું છે કે, આ બાળકના નજીકના સંગાસંબંધીઓને પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. આ બાળકને ઇન્ફેક્શન ક્યાંથી થયું છે તે સંદર્ભમાં માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. બાળકની હાલત સ્થિર દર્શાવવામાં આવી છે.

              કોરોના સંક્રમણ અથવા તો ઇન્ફેક્શનની અસર આસપાસના વિસ્તારોમાં ન ફેલાય તે માટે વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. આરોગ્યમંત્રાલયના આંકડાની દ્રષ્ટિથી કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં ગુરુવારના દિવસે કોરોના વાયરસના કુલ ૮૮ કેસો સપાટી ઉપર આવ્યા હતા. ભારતમાં કોરોના સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર અને કેરળમાં નોંધાયા છે. દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉનનો ગાળો ચાલી રહ્યો છે. દુનિયાભરમાં હજુ સુધી ૫.૨૬ લાખથી વધુ લોકો કોરોનાથી પ્રભાવિત છે. હજુ સુધી નાના બાળકો માટે કોરોના વાયરસ ખતરનાક નથી. વિશ્વમાં જુદા જુદા કેસો પરથી આ બાબત સપાટી ઉપર આવી છે. જો કે, એક વર્ષથી નાના બાળખો ગંભીરરીતે બિમાર થઇ શકે છે. કોરોના મુખ્યરીતે મોટી વયના લોકો માટે ઘાતક છે.

(7:38 pm IST)