Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કોંગ્રેસ સોશ્યલ મીડિયાથી ભાજપની પોલ ખોલશેઃ સ્ટાર પ્રચારકોની સભા ફેસબુક પર લાઈવ

ગુજરાતના ૧૮૨ વિધાનસભા મતક્ષેત્રોના વોટસઅપ ગ્રુપ બનાવ્યાઃ ગણતરીની મીનીટોમાં લાખોની સંખ્યામાં મેસેજ છુટશે : ૨૦૧૪માં મોદીએ આપેલા વચનો પ્રજાને સંભળાવાશેઃ પ્રદેશ સમિતિમાં કંટ્રોલ રૂમઃ ટીમ હેમાંગ રાવલનું આયોજન

રાજકોટ, તા. ૨૭ :. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તમામ ૨૬ મતક્ષેત્રોમાં પરંપરાગત પદ્ધતિના પ્રચાર ઉપરાંત કોંગ્રેસ દ્વારા સોશ્યલ મીડિયાના ભરપૂર ઉપયોગથી છવાઈ જવાનું આયોજન કરાયુ છે. પ્રદેશ કોંગ્રેસના સોશ્યલ મીડિયા કો-ઓર્ડીનેટર શ્રી હેમાંગ રાવલ (અમદાવાદ)ના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત છે. સોશ્યલ મીડિયાથી કોંગ્રેસનો પ્રચાર કરવા ઉપરાંત ભાજપની પોલ ખોલવામાં આવશે. ગુજરાતમાં આવતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની સભા ફેસબુક પરથી લાઈવ થશે. ઉમેદવારોના મહત્વના કાર્યક્રમોને પણ લાઈવ કવરેજમાં આવરી લેવામા આવશે. ચૂંટણી પંચે વોટસઅપ દ્વારા  આચારસંહિતા ભંગની ફરીયાદ કરવા સી-વીજી નામથી જોગવાઈ કરી છે. તેનો પણ પુરતો ઉપયોગ કરવા કોંગ્રેસે કાર્યકરોને તાલીમબદ્ધ કર્યા છે. 

કોંગ્રેસના સોશ્યલ મીડિયા તંત્ર દ્વારા ૨૬ લોકસભા વિસ્તારના ફેસબુક પેજ બનાવવામાં આવ્યા છે. જેમાં સ્વયંસેવકો કાર્યરત છે. ઉપરાંત તમામ ૧૮૨ વિધાનસભા ક્ષેત્રના વ્હોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ તરફથી અપાતો સંદેશ આધુનિક ટેકનોલોજીની મદદથી ગણતરીની મીનીટોમાં લાખો લોકો સુધી પહોંચી શકે તેવુ આયોજન છે. તેના માટે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. કાર્યકરોને ખાસ તાલીમ આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના નેતાઓએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે પ્રજાને જે વચનો આપેલા તે ઓડીયો-વિડીયો પદ્ધતિથી ફરીથી પ્રજાને યાદ કરાવાશે. સરકારની નિષ્ફળતા પ્રજા સમક્ષ સોશ્યલ મીડિયા થકી ખુલ્લી કરવામાં આવશે. સર્જનાત્મક ટીપ્પણી, સૂત્રો, કાર્ટુન, ફોટા વગેરેની મદદથી પ્રચારને પ્રભાવક કરવાનો પ્રયાસ છે. કેન્દ્રમાં કોંગ્રેસના શાસન વખતે પ્રજાલક્ષી જે યોજનાઓ બની તેની યાદ અપાવવામાં આવશે. માહિતીનો અધિકાર, શિક્ષણનો અધિકાર, મનરેગા, ૧૮ વર્ષે મતાધિકાર વગેરે બાબતો પ્રચારમાં સમાવિષ્ટ કરવામાં આવશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં જ જાહેર કરેલી ગરીબો માટેની માસિક ૧૨૦૦૦ રૂ.ની આવકની ગેરેંટીની યોજનાને સોશ્યલ મીડિયાના પ્રચારમાં કોંગ્રેસ અગ્રસ્થાને રાખશે. સોશ્યલ મીડિયાનો પ્રચાર મતદારોમાં ખાસ કરીને યુવા વર્ગમાં વિશેષ પ્રભાવ પાડે તેવી પાર્ટીની નેમ છે.

(3:47 pm IST)