Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

મુંબઇ-સિંગાપોર ફલાઇટને મળી બોમ્બથી ફૂંકી મારવાની ધમકી

મુંબઇ, તા.૨૭: ૨૬૩ પ્રવાસીઓ સાથે મુંબઇથી સિંગાપોર આવતી સિંગાપોર એરલાઇન્સની ફલાઇટને બોમ્બથી ફૂકી મારવાની ધમકી મળ્યા બાદ પરિસ્થિતિ ગંભીર બની ગઇ હતી, પરંતુ વિમાને ગઇ કાલે સવારે અહીંના ચાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સલામત રીતે ઉતરાણ કર્યા બાદ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો એવું એરલાઇને કહ્યું હતું.

મુંબઇથી સિંગાપોર જવા માટે ઊપડેલી ફલાઇટ SQ 426 બોમ્બ હુમલાની ધમકી મળી હતી એને સિંગાપોર એરલાઇન્સે સમર્થન આપ્યું છે. વિમાને સ્થાનિક સમય મુજબ ગઇ કાલે સવારે લગભગ ૮ વાગ્યે સિંગાપોર એરપોર્ટ પર આગમન કર્યુ હતું. વિમાનને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળી હોવા વિશે પાઇલટે જાણ કરી હતી. એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું છે કે વિમાનમાં ૨૬૩ પ્રવાસીઓ હતા.

સિંગાપોરમાં વિમાન આવી પહોંચ્યા બાદ એક મહિલા અને તેના બાળકને બાદ કરતાં તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. એ મહિલા અને તેના બાળકને પોલીસે પૂછપરછ માટે રોકી રાખ્યાં હતાં.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિમાને સોમવારે રાતે લગભગ ૧૧.૩૫ વાગ્યે મુંબઇથી ટેક-ઓફ કર્યા બાદ એમાં બોમ્બ મુકાયાનો એરલાઇનને ફોન-કોલ આવ્યો હતો. ફોન કરનારે એવો દાવો કર્યો હતો કે વિમાનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે.

બોઇંગ 777-300ER વિમાન સોમવારે રાતે ૧૧.૩૬ વાગ્યે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ઊપડયું હતું. એ સિંગાપોર એરપોર્ટ ખાતે એના નિર્ધારિત સમય કરતાં ૩૧ મિનિટ મોડું પહોંચ્યું હતું.

(11:51 am IST)