Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

આચારસંહિતા બાદ ચૂંટણી પંચે ૫૪૦ કરોડની સામગ્રી જપ્ત કરી

ચૂંટણી પંચ આકરા પાણીએઃ માત્ર ૧૬ દિવસમાં દારૂ, રોકડ, ડ્રગ્સ, કિંમતી જવેરાત, ઉપહાર વગેરે જપ્ત કર્યાઃ સૌથી વધુ જપ્તી તામીલનાડુ, યુપી અને આંધ્રમાંથીઃ ગુજરાતમાંથી માત્ર ૧૬ દિવસમાં ૪.૭૭ કરોડનો દારૂ ઝડપાયોઃ દેશભરમાં દારૂ ઝડપાયો તેમા ગુજરાત છઠ્ઠા ક્રમેઃ પંજાબમાંથી સૌથી વધુ જથ્થામાં ડ્રગ્સ ઝડપાયું

નવી દિલ્હી, તા. ૨૭ :. લોકસભાની ચૂંટણીનું પ્રથમ ચરણ નજીક આવી રહ્યુ છે. ૧૧ એપ્રિલે ૯૧ બેઠકો પર મતદાન થવાનુ છે. આ દરમિયાન ચૂંટણી પંચે પોતાની તૈયારીઓને વધુ આકરી બનાવતા રોકડ અને દારૂના દુરૂપયોગ પર પગલા લેવામાં ઝડપ વધારી છે. ચૂંટણી પંચે આચારસંહિતા લાગુ થયા બાદથી પોતાની કાર્યવાહીની વિગતો જારી કરી છે. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતમાંથી રોજેરોજ મોટા પ્રમાણમાં દારૂ પકડાઈ રહ્યો છે. જ્યાંથી સૌથી વધુ દારૂ પકડાયો છે તે રાજ્યોમાં ગુજરાતનો છઠ્ઠો ક્રમ આવે છે. ૧૦મી માર્ચથી ૨૫મી માર્ચ સુધીમાં ગુજરાતમાંથી ૧.૭૪ લાખ લીટર દારૂ કે જેની કિં. રૂ. ૪.૭૭ કરોડ થવા જાય છે તે ઝડપાયો છે. ગુજરાત સહિત જે ૫ રાજ્યોમાં દારૂ પકડાયો છે તેમા યુપીમાંથી રૂ. ૨૨.૫૫ કરોડ, કર્ણાટક ૧૯.૮૮ કરોડ, આંધ્ર ૧૨ કરોડ, મહારાષ્ટ્ર રૂ. ૯.૭૧ કરોડ અને પ.બંગાળ રૂ. ૫.૨૪ કરોડનો સમાવેશ થાય છે. કુલ દેશભરમાંથી ૮૯.૬૪ કરોડ રૂપિયાનો દારૂ માત્ર ૧૬ દિવસમાં પકડાયો છે. આ ઉપરાંત ચૂંટણી પંચે ૫૪૦ કરોડ રૂ.ની વિવિધ ચીજો પણ જપ્ત કરી છે. જેમાં બીનહિસાબી રોકડ, દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુ, ઉપહાર વગેરે.

ગુજરાતમાંથી વિવિધ એજન્સીઓએ ૬ કરોડ રૂ.ની મત્તા જપ્ત કરી છે. જેમાં રૂ. ૧.૨૩ કરોડ રોકડાનો સમાવેશ થાય છે. જે વસ્તુઓ જપ્ત થઈ છે તેમા ૮૦ ટકા દારૂ છે. દારૂના જથ્થાની ગણતરી કરીએ તો મહારાષ્ટ્ર ટોપ ઉપર છે. જ્યાં ૧૨.૦૩ લાખ લીટર દારૂ પકડાયો છે જે પછી યુપી ૮.૬ લાખ લીટર, કર્ણાટક ૪.૯૦ લાખ લીટર અને પ.બંગાળ ૪.૪ લાખ લીટરનો સમાવેશ થાય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ગુજરાતે દારૂની પકડાવાની બાબતમાં અન્ય રાજ્યો જેમ કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તામીલનાડુ, પંજાબ, તેલંગણા વગેરેને પાછળ રાખી દીધા છે, ત્યાં દારૂબંધી નથી.

ચૂંટણી પંચના કહેવા મુજબ અત્યાર સુધીમાં ૧૪૩.૪૭ કરોડ રોકડા, ૮૯.૬૪ કરોડનો દારૂ, ૧૩૧.૭૫ કરોડની ડ્રગ્સ, ૧૬૨.૯૩ કરોડની કિંમતી ધાતુ-જવેરાત અને ૧૨.૨૦ કરોડના મફતમા વહેંચાતી વસ્તુઓ જપ્ત કરી છે.

ગુજરાતમાં દારૂ ઝડપાયો તે બાબતે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ કહ્યુ છે કે, ભાજપ દારૂબંધીની વાતો કરે છે, કડક કાયદાની વાતો કરે છે પરંતુ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ભાજપના પ્રવકતા ભરત પંડયાએ કહ્યુ છે કે, પોલીસ અને ગુજરાત સરકાર દારૂબંધીનો ચૂસ્ત અમલ કરાવી રહી છે તેથી જ જંગી દારૂ પકડાઈ છે.

ગુજરાતમાં ચૂંટણી ન્યાયીક અને લોકશાહી ઢબે યોજવા માટે ચૂંટણી પંચે ૫૬૩ ફલાઈંગ સ્કવોડ, ૩૭૮ વિડીયો તપાસ ટીમ અને ૨૦૭ વિડીયો વ્યુઈંગ ટીમ બનાવી છે. કુલ ૨૬ ટીમ કાર્યરત છે. આ ટીમો રોકડ, ડ્રગ, દારૂ, હથીયારો અને ઉપહારો વગેરેની જપ્તીની તપાસ કરે છે. દેશભરમાં ૨૫મી માર્ચ સુધીમાં ૫૪૦ કરોડ રૂપિયાની ગેરકાયદે માલમત્તા ઝડપાઈ છે. જેમાં તામીલનાડુમાંથી ૧૦૭.૨૪ કરોડ, યુપી ૧૦૪.૫૩ કરોડ અને આંધ્ર ૧૦૩.૪ કરોડ છે. પંજાબમાં ડ્રગ અને નાર્કોટીકસ ચિંતાની બાબત છે, ત્યાંથી ૯૨.૮ કરોડ ઝડપાયા છે તેમાથી ૮૪.૩૦ કરોડની ડ્રગ્સ છે. ચૂંટણી પંચ અને સામાન જપ્ત કરી રહી છે.

(11:37 am IST)