Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

રાજીનામુ આપી દેવા અજીત પવાર પર એનસીપીનું દબાણ વધ્યુ

મોટાભાગના ધારાસભ્યો શરદ પવારની સાથે રહ્યા : અજીત પવાર સાથે સવારે દેખાયેલા ધારાસભ્યો પણ પરત ફર્યા : ધનંજય મુંડે તેમજ અન્ય દ્વારા શરદ પવારને ખુલ્લું સમર્થન

મુંબઈ, તા.૨૩ : મહારાષ્ટ્રમાં જોરદાર રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચે ફડનવીસના નેતૃત્વમાં ભાજપે અજીત પવારના સમર્થન સાથે સરકાર બનાવી લીધા બાદ બેઠકોનો દોર જારી રહ્યો હતો. એનસીપીમાં પણ બેઠકોનો દોર જારી રહ્યો હતો. અજીત પવારને નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેવા મનાવવાના પ્રયાસો મોડે સુધી જારી રહ્યા છે. મળેલી માહિતી મુજબ વાયબી ચવ્હાણ સેન્ટરમાં એનસીપીની બેઠક આજે મોડે સાંજે યોજાઈ હતી. આ બેઠકમાં એનસીપીના ૪૩ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ધારાસભ્યો શરદ પવારની સાથે હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. અજીત પવાર સાથે ગયેલા કેટલાક ધારાસભ્યો પણ પરત ફર્યા હોવાના અહેવાલ મળ્યા છે. જોકે, આ અહેવાલોને સમર્થન મળી રહ્યું નથી. ૨૮૮  સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં એનસીપીની પાસે ૫૪ ધારાસભ્યો છે. અજીત પવાર નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ શરદ પવારે ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ધનંજય મુંડે સહિત એવા ધારાસભ્યો પણ પહોંચ્યા હતા જે અજીત પવારની સાથે રાજભવન પહોંચ્યા હતા.

                    મુંબઈ પહોંચેલા એનસીપીના ધારાસભ્ય અતુલ બેનકેએ કહ્યું હતું કે, તેઓ શરદ પવારની સાથે છે. બીજી બાજુ એનસીપી ધારાસભ્ય દિલિપ રાવ બેકરે કહ્યું છે કે તેઓ શરદ પવારની સાથે છે. અજીત પવારના કહેવા પર તેઓ રાજભવન ગયા હતા. શિવસેના વડા ઉદ્ધવ ઠાકરે પણ પોતાના ધારાસભ્યોની સાથે મુંબઈની હોટેલમાં પહોંચ્યા હતા. બીજી બાજુ મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમનો દોર જોરદાર રીતે જારી રહ્યો છે. એનસીપીની બેઠકમાં પહોંચેલા ધારાસભ્યોની સંખ્યા ૪૮ જેટલી પહોંચી ચુકી છે. એનસીપીની બેઠકમાં અજીત પવાર નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપે તેવી માંગ ઉભરીને આવી હોવાના સમાચાર મળ્યા છે. રાજકીય ઘટનાક્રમનો દોર આગામી દિવસોમાં જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ શિવસેનાના નેતાઓની બેઠક ચાલી રહી છે.

                    શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સરકાર રચવાની નજીક પહોંચ્યા હતા ત્યારે રાતોરાત ઘટનાક્રમો બદલાયા હતા. મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમ પર વાત કરતા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસના નેતા કુમારસ્વામીએ કહ્યું હતું કે, દેશમાં દરેક વ્યક્તિ રાજનીતી કરી રહી છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ અંગે તમામ પક્ષો પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમામ પક્ષો મહારાષ્ટ્રની ઘટનાને લઈને હેરાન દેખાઈ રહ્યા છે.

૧૦-૧૧ સભ્યનું સમર્થન અજીત પવાર ધરાવે છે : શરદ પવાર

અજીત સામે પગલા લેવાશે : શરદ પવાર

મુંબઈ,તા. ૨૩ : મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં સરકારને ટેકો આપવાના તેમના ભત્રીજા અજીત પવારના નિર્ણયને પાર્ટી લાઈનની વિરૂદ્ધ ગણાવીને શરદ પવારે આજે કહ્યું હતું કે, ગેરશિસ્ત દાખવવામાં આવી છે. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા શરદ પવારે કહ્યું હતું કે, તેમની પાર્ટીમાં નેતાઓ અથવા તો કોઈ કાર્યકર એનસીપી-ભાજપ સરકારને ટેકો આપતા નથી. પવારે કહ્યું હતું કે, એનસીપી-કોંગ્રેસ અને શિવસેના ગઠબંધન ૧૭૦ ધારાસભ્યો ધરાવે છે. પવારે કહ્યું હતું કે, અજીત પવારને માત્ર ૧૦થી ૧૧ ધારાસભ્યો ટેકો આપી રહ્યા છે. આ બળવાખોર ધારાસભ્યો કોણ છે તે ઓળખવામાં આવશે. એનસીપી વડાએ એમ પણ કહ્યું હતું કે, તેમની પાર્ટી અજીત પવારની સામે પગલા લેશે. બળવાખોર ધારાસભ્યોને પક્ષાતર વિરોધી કાયદા અંગે ચેતવણી આપી હતી. વિધાનસભાની મેમ્બરશિપ આ લોકો ગુમાવી શકે છે.

(7:43 pm IST)