Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

રાતના ૧૨:૩૦ વાગ્યે મળેલી ચિઠ્ઠીએ મહારાષ્ટ્રની રાજનિતિ બદલી

ધારાસભ્યની ચિઠ્ઠીનો અજિત પવારે કર્યો ખોટો ઉપયોગ

મુંબઇ,તા.૨૩: મહારાષ્ટ્રમાં ભારતીય રાજનીતિનો સૌથી મોટો બદલાવ જોવા મળ્યો છે. ગઇકાલે રાત્રે જયાં સમાચાર હતા કે ઉદ્ઘવ ઠાકરે મુખ્યમંત્રી બનશે તો સવાર થતા જ રાજનીતિનું પાસુ બીજેપીએ પલટી દીધું. રાજયપાલ ભગત સિંહ કોશ્યારીએ શનિવારની સવારે દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદનાં શપથ લેવડાવ્યા. તો અજિત પવારે ડેપ્યૂટી સીએમ પદનાં શપથ લીધા. જયારે આ સમાચાર સામે આવ્યા તો મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂંકપ આવી ગયો.

અજિત પવાર દ્વારા એનસીપીનો સાથ છોડીને બીજેપી સાથે આવવું દ્યણું ચોંકાવનારું સાબિત થયું, કેમકે ગઇકાલ સુધી અજિત પવાર શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સાથે સરકાર બનાવવાનાં હતા. એટલા સુધી કે અજિત પવાર ત્રણેય પાર્ટીઓની બેઠકમાં પણ સામેલ થયા હતા, પરંતુ ૧૨:૩૦ વાગ્યે એક ચિઠ્ઠીએ મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ઉલટફેર લાવી દીધો. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ત્રણેય દળોની બેઠક બાદ ભારતીય રાજનીતિનો સૌથી મોટો ઉલટફેર એક ચિઠ્ઠી દ્વારા થયો. સાડા બાર વાગ્યે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર રાજયપાલને મળવા પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

ત્યારબાદ રાજયપાલે રાતનાં જ કેન્દ્રને સરકાર બનાવવાની ભલામણ કરી અને રાષ્ટ્રપતિ શાસન હટાવવા અને શપથ લેવાનો સમય સવારે ૭ વાગ્યે જણાવવામાં આવ્યો. પછી સવાર થતા જ રાજયપાલ ભગત સિંહ કોશ્યારીએ શનિવારની સવારે દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદનાં શપથ લેવડાવ્યા. તો અજિત પવારે ડેપ્યૂટી સીએમ પદનાં શપથ લીધા. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે સંપૂર્ણ રાજકીય ઉલટફેરમાં પ્રફુલ્લ પટેલે મોટી ભૂમિકા નીભાવી છે. જો કે અત્યાર સુધી તેમના તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવારનાં પક્ષમાં રહેલા ધારાસભ્યોએ તેમને ધારાસભ્ય દળનાં નેતા તરીકે પસંદ કર્યા. તો અજિત પવારનું કહેવું છે કે તેમણે શરદ પવારને પહેલા જ બધુ જણાવી દીધું હતુ. બીજી તરફ એનસીપી નેતા નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસનાં ધારાસભ્ય દળની ચિઠ્ઠીનો અજિતે ખોટો ઉપયોગ કર્યો. તેમણે દગો આપતા ધારાસભ્ય દળનાં સમર્થનમાં ચિઠ્ઠી રાજયપાલને સોંપી.

(3:39 pm IST)