Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

છેલ્લા સાત વર્ષમાં સરહદ પર ૬૯૪૨ વાર ગોળીબાર

સાત વર્ષમાં ૯૦ સુરક્ષા જવાનો શહીદ થયા : છેલ્લા સાત વર્ષમાં કુલ ૪૫૪ સુરક્ષા જવાનો ઘાયલ થયા

નવીદિલ્હી,તા.૨૧ : સરહદ પર છેલ્લા સાત વર્ષમાં ગોળીબાર અને યુદ્ધવિરામ ભંગની કેટલી ઘટનાઓ બની તે સંદર્ભમાં મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ગૃહમંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વર્ષોમાં ક્રોસ સરહદ ગોળીબાર અને યુદ્ધવિરામ ભંગની ૬૯૪૨ ઘટના બની છે. આ ઘટનાઓમાં ૯૦ સુરક્ષા જવાનો શહીદ થયા છે અને ૪૫૪ જવાનો ઘાયલ થયા છે. આ માહિતી ભારત સરકાર દ્વારા એક્ટિવિસ્ટ ડો. નૂતન ઠાકરે આપી હતી. તેમણે આ માહિતી માંગી હતી. આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ ૨૦૧૩ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ૬૯૪૨ ગોળીબાર અને યુદ્ધવિરામ ભંગની ઘટના બની છે.

                 નૂતન દ્વારા ૨૦૧૩થી હજુ સુધી પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પર કરાયેલા હુમલા અને ગોળીબાર અંગેની માહિતી માંગવામાં આવી હતી. ઘટનાઓમાં શહીદ જવાનો અને ઘાયલ થયેલા જવાનોની પણ માહિતી માંગવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના જનસુચના અધિકારી સુલેખા દ્વારા માહિતી અંગે જણાવવામાં આવ્યું છે કે, આ અવધિમાં સેના તથા સરહદ સુરક્ષા દલના ૯૦ સુરક્ષા જવાનો શહીદ થયા જ્યારે ૪૫૪ સુરક્ષા જવાનો ઘાયલ થયા છે.

                 સૌથી વધુ ૨૧૪૦ બનાવો વર્ષ ૨૦૧૮માં બન્યા હતા જ્યારે ઓગસ્ટ ૨૦૧૯ સુધી ૨૦૪૭ અને વર્ષ ૨૦૧૭માં ૯૭૧ હુમલા થયા હતા. વર્ષ ૨૦૧૩માં ૩૪૭ અને વર્ષ ૨૦૧૪માં ૫૮૩ હુમલા થયા હતા. સુરક્ષા જવાનો માટે સૌથી ખરાબ વર્ષ ૨૦૧૮નું રહ્યું હતું. જેમાં ૨૯ જવાનો શહીદ થયા અને ૧૧૬  જવાનો ઘાયલ થયા હતા. ૨૦૧૬માં ૧૧૨ અને ૨૦૧૭માં ૯૧ જવાનો શહીદ થયા હતા. વર્ષ ૨૦૧૩માં ૩૮ અને ૨૦૧૪માં ૩૩ સુરક્ષા જવાનો શહીદ થયા હતા.

(12:00 am IST)