Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

બીજી લહેરમાં યુવાનો, બાળકો, સગર્ભાની સંખ્યા વધુ જોવા મળી

કોરોનાની બીજી લહેર પહેલાં કરતા પણ વધુ ખતરનાક : મહિલાઓ-બાળકોમાં કોરોનાના લક્ષણો ઓછા નોંધાય છે પરંતુ તેમણે સાવધાન રહેવાની નિષ્ણાતો દ્વારા ચેતવણી

નવી દિલ્હી : કોરોના કેસના જે આંકડા દરરોજ સામે આવી રહ્યા છે તે બતાવી આપે છે કે, કોરોના વાયરસની આ લહેર પહેલા કરતા પણ વધુ ખતરનાક છે. જો કે, ડોક્ટર્સ તેના પાછળ બીજા કેટલાક કારણો પણ જવાબદાર હોવાનું કહી રહ્યા છે. દિલ્હીની લોકનાયક હોસ્પિટલના એમડી ડો. સુરેશ કુમારના કહેવા પ્રમાણે આ વખતે બીમાર થનારા લોકોમાં યુવાનો, બાળકો અને ગર્ભવતી મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે. ડો. કુમારના કહેવા પ્રમાણે નવી લહેર ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે અને દિલ્હીની હોસ્પિટલોમાં બેડની પણ તંગી પડી રહી છે. મુંબઈમાં બીજી લહેરના ૮૦ ટકા કેસમાં કોરોનાના કોઈ લક્ષણો નથી નોંધાયા. હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને કંફડરેશન ઓફ મેડિકલ અસોશિએશન ઓફ એશિયાના પ્રેસિડેન્ટ ડો. કેકે અગ્રવાલના કહેવા પ્રમાણે મહિલાઓ અને બાળકોમાં કોરોનાના લક્ષણો ઓછા નોંધાય છે પરંતુ તેમણે સાવધાન રહેવાની જરૂર છે.

જો કોરોનાના લક્ષણો જણાય તો તેનો અર્થ કોરોના શરીર પર હિટ કરી રહ્યો છે તે થાય અને આ સંજોગોમાં આઈસોલેટ થઈ જવું જોઈએ. સમગ્ર દેશના કોરોના કેસની વાત કરીએ તો તાજેતરમાં કોરોનાના ૧.૧૫ લાખ નવા કેસ સામે આવ્યા હતા. આ આંકડાએ છેલ્લા બે વર્ષના રેકોર્ડ તોડી દીધા છે. દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૮.૪૧ લાખ થઈ ગઈ છે. હોળી બાદ દેશમાં કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. છેલ્લા ૩ દિવસમાં દેશમાં ૩ લાખથી વધારે નવા કેસ નોંધાયા છે.

(8:13 pm IST)