Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

મમતા બેનર્જીએ પુરતી સુરક્ષાની ખાતરી આપતા ડોક્ટરોની હડતાળ સમેટાઈ

જુનિયર ડોક્ટરો સાથે મમતાની મિટિંગ સફળ :ડોક્ટરોએ હડતાલ પાછી ખેંચવા નિર્ણંય લીધો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સુરક્ષાની ખાતરી આપતા ડોક્ટરોની હડતાલ સમેટાઈ છે હડતાળ પર ઉતરેલા જુનિયર ડોક્ટરો સાથેમમતાની મિટિંગ સફળ થઇ હતી  મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જુનિયર ડોક્ટરોએ સંયુકત રીતે જણાવ્યું કે, અમને કામ કરતા ડર લાગે છે."જેની સામે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, "અમે આ ઘટના સંદર્ભે પુરતા પગલાં લીધાં છે. મુખ્યમંત્રી દ્વારા ડોક્ટરોને પુરતી સુરક્ષાની ખાતરી અપાયા પછી ડોક્ટરોએ પોતાની હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. 

હડતાળ પર ઉતરેલા જુનિયર ડોક્ટરોનું એક પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્યમંત્રી સાથે સીધી વાતચીત કરી રહ્યું છે. આ પ્રિતિનિધિમંડળે જણાવ્યું કે, એનઆરએસ હોસ્પિટલમાં ડોક્ટરો સાથે મારામારી કરનારા દર્દીના પરિજનોને એવી સજા આપવામાં આવે, જે અન્ય લોકો માટે ઉદાહરણરૂપ બને. 

 અત્રે ઉલ્લેખનીય છે કે, એનઆરએસ એક અઠવાડિયા પહેલા એક દર્દીના કથિત મૃત્યુ પછી દર્દીના પરિજનોએ ડોક્ટરો પર આરોપ લગાવતા મારામારી કરી હતી. જેમાં કેટલાક જુનિયર ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. ત્યાર પછી જુનિયર ડોક્ટરો પુરતી સુરક્ષાની માગ સાથે એક અઠવાડિયાથી હડતાળ પર ઉતરેલા છે. મારામારીની આ ઘટનામાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે.

મુખ્યમંત્રી મમતા બેનરજીએ હડતાળિયા જુનિયર ડોક્ટરો સાથેની બેઠકમાં જણાવ્યું કે, "રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ ડોક્ટર સામે કેસ દાખલ કરાયો નથી." ઉલ્લેખનીય છે કે, મમતા બેનરજીએ હડતાળ પર ઉતરેલા ડોક્ટરો સાથે સોમવારે પ્રસ્તાવિત બેઠકના સીધા પ્રસારણને મંજુરી આપી હતી. જોકે, માત્ર માત્ર બે સ્થાનિક સમાચાર ચેનલને જ રાજ્યના સચિવાલયમાં મુખ્યમંત્રી અને જુનિયર ડોક્ટરોના પ્રતિનિધિમંડળ વચ્ચે થયેલી આ બેઠકનું કવરેજ કરવાને મંજૂરી આપવામાં આવી છે. 

આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ઉપરાંત આરોગ્ય સચિવ, રાજ્યમંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય અને રાજ્યના અધિકારીઓ, 31 જુનિયર ડોક્ટરો ભાગ લઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ જુનિયર ડોક્ટરોની સાથેની બેઠકમાં તેમના પ્રસ્તાવ અનુસાર, પશ્ચિમ બંગાળની તમામ હોસ્પિટલમાં ત્રણ ભાષા - હિન્દી, અંગ્રેજી અને બંગાળીમાં ફરિયાદ નિવારણ એકમની રચનાનો આદેશ આપ્યો છે. જે કોઈ દર્દી કે તેમના સગાને ફરિયાદ કરવી હોય તેઓ કોઈ પ્રકારની હિંસા આચર્યા સિવાય આ ફરિયાદ નિવારણ શાખાને મળીને ફરિયાદ કરી શકશે. 

(10:53 pm IST)