Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સત્રના પ્રથમ દિવસે રાહુલ ગાંધી ન દેખાતા પ્રશ્નો થયા

રાહુલ ગાંધી ક્યાં છે તે સંબંધમાં પ્રશ્નો ઉઠ્યા : લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી ફરીથી દુવિધામાં છે

નવી દિલ્હી,તા. ૧૭  : ૧૭મી લોકસભાના પ્રથમ દિવસે આજે પ્રોટેમ સ્પીકર અથવા તો કાર્યકારી સ્પીકર વીરેન્દ્ર કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નવા ચૂંટાયેલા સાંસદોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જો કે ગૃહમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ગેરહાજર દેખાયા હતા. રાહુલ ગાંધી નજરે ન પડતા ઉપસ્થિત સભ્યોમાં રાહુલને લઇને ફરી ચર્ચા રહી હતી. દરમિયાન જ્યારે વડાપ્રધાન મોદી સાંસદ તરીકે શપથ લીધા બાદ સાઇન કરવા માટે પ્રોટેમ સ્પીકરની તરફ આગળ વધ્યા ત્યારે સાંસદોએ પ્રશ્ન કર્યા હતા. સાંસદોએ રાહુલ ગાંધી ક્યાં છે તેવા પ્રશ્ન કર્યા હતા.હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની કારમી હાર થઇ હતી. સતત બીજી વખત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની કારમી હાર થઇ છે. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે કોંગ્રેસને કારમી  હાર મળી હતી. એ વખતે કોંગ્રેસને ૪૪ સીટો મળી હતી. આ વખતે ૨૦૧૯ની ચૂંટણીમાં પણ મોદી લહેર વચ્ચે જ કોંગ્રેસ પાર્ટીને બાવન સીટ મળી છે. કોંગ્રેસના તમામ રાજ્યોમાં સુપડા સાફ થઇ ગયા છે. હાલમાં કોંગ્રેસ સામે અસ્તિત્વની સમસ્યા સર્જાઈ છે.

(7:26 pm IST)