Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

લોકસભાનો નજારો બદલ્‍યો : પીએમ મોદીની બાજુમાં રાજનાથ, સુષ્‍માની સીટ પર શાહ જોવા મળ્‍યા

અડવાણીની સીટ પર ગેહલોત : મોદી કેબીનેટમાં અનેક વરિષ્‍ઠ મંત્રીઓ જોવા મળ્‍યા પ્રથમ હરોળમાં

નવી દિલ્‍હી : સંસદમાં આજે ૧૭મી લોકસભાનો નજારો ઘણો બદલાયેલો જોવા મળ્‍યો. કેટલાક નવા ચહેરા જોવા મળ્‍યાં તો કેટલાક શક્‍તિશાળી નેતાઓની ગેરહાજરી સાલી. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સહિત ચૂંટાયેલા નવા સાંસદોને આજે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્‍યાં. લોકસભામાં મોદીના શપથગ્રહણ દરમિયાન ભાજપના સાંસદો જોશમાં ‘મોદી મોદી' અને ‘ભારત માતા કી જય'ના નારા લગાવતા જોવા મળ્‍યાં. આ બધા વચ્‍ચે કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધી સદનમાં પહેલા જ દિવસે ગેરહાજર જોવા મળ્‍યાં. જેના લીધે અનેક સવાલો પણ ઊભા થયાં. સદનની કાર્યવાહી ચાલી રહી હતી ત્‍યારે જ રાહુલ ગાંધી દિલ્‍હી પાછા ફર્યા હતાં. કહેવાય છે કે તેઓ છેલ્લા એક અઠવાડિયાથી લંડન હતાં. રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારી ગયા પરંતુ કેરળના વાયનાડથી ચૂંટાઈ આવ્‍યાં છે.

શપથ ગ્રહણની સાથે જ અનેક નવા ચહેરાઓ સામેલ થયા અને તેમની નવી જગ્‍યાએ બધાનું ધ્‍યાન ખેંચ્‍યું. અમિત શાહને ગૃહ મંત્રી બનાવ્‍યાં બાદ એવી પણ અટકળો હતી કે શાહને જ સરકારમાં નંબર ૨દ્ગટ દરજ્જો મળી શકે છે. જો કે આ અટકળો પર વિરામ લાગતું આજે જોવા મળ્‍યું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ જ સરકારમાં નંબર ૨ રહેશે. તેમને સંસદના નીચલા ગૃહમાં પીએમ મોદીની બાજુની જગ્‍યા મળી છે. અત્રે જણાવવાનું કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્‍ણ અડવાણી, સુષમા સ્‍વરાજ, મુરલી મનોહર જોશી, ગત લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે, પૂર્વ પીએમ એચડી દેવગૌડા, જયોતિરાદિત્‍ય સિંધિયા જેવા કેટલાક નેતાઓ એવા પણ છે કે જે આ વખતે લોકસભાનો ભાગ નથી.

ગત સરકારમાં વિદેશ મંત્રી રહેલા સુષમા સ્‍વરાજે આ વખતે ચૂંટણી લડી નથી. સુષમા જે જગ્‍યાએ બેસતા હતાં તે જગ્‍યા આ વખતે અમિત શાહને મળી છે. ગત લોકસભામાં જે સીટ પર લાલકૃષ્‍ણ અડવાણી બેસતા હતાં તે સીટ આ વખતે રાજસ્‍થાનના સાંસદ થાવરચંદ ગેહલોતને મળી છે.

પરંપરા મુજબ સૌથી પહેલા વડાપ્રધાને શપથ લીધા. પીએમ મોદી જયારે શપથ લેવા આવ્‍યાં ત્‍યારે ભાજપના સાંસદોએ મેજ થપથપાવીને મોદી મોદીના નારાથી સ્‍વાગત કર્યું. પીએમ મોદીએ હિંદીમાં શપથ લીધી. કેન્‍દ્રીય મંત્રી હરસિમરત કૌરે પંજાબીમાં જયારે અમિત શાહ, રાજનાથ સિંહે હિંદીમાં શપથ લીધી.

મોદી કેબિનેટમાં અનેક વરિષ્ઠ મંત્રીઓ પહેલી હરોળમાં જોવા મળ્‍યાં. પરિવહન મંત્રી નીતિન ગડકરી, સદાનંદ ગૌડા, અને પટણા સાહિબ સીટ પર શત્રુઘ્‍ન સિન્‍હાને હરાવીને સદનમાં પહોંચેલા રવિશંકર પ્રસાદ, નરેન્‍દ્ર સિંહ તોમર, તથા હરસિમરત કૌર પહેલી હરોળમાં જોવા મળ્‍યાં. રામ વિલાસ પાસવાન પણ સદનમાં મંત્રી હોવાના કારણે હાજર હતાં પરંતુ આ વખતે તેઓ લોકસભાના સદસ્‍ય નથી. કહેવાય છે કે ખાલી થયેલી રાજયસભાની બેઠકમાંથી કોઈ એક બેઠકથી તેમને રાજયસભા મોકલાશે. ચૂંટણી અગાઉ જ એલજેપી અને ભાજપ વચ્‍ચે આ સમજૂતિ થઈ હતી.

(4:33 pm IST)
  • આજથી ૨૬ જુલાઇ સુધી ચાલનાર સંસદમાં લોકસભા ૩૦ વખત અને રાજયસભા ૨૭ વખત મળશે તેમ જાણવા મળે છે : ૧૭ જૂન આવતીકાલથી ૨૬ જુલાઈ વચ્ચે લોકસભાની ૩૦ બેઠકો અને રાજયસભાની ૨૭ બેઠકો મળશે તેમ જાણવા મળે છે access_time 1:01 pm IST

  • એક દેશ એક ચૂંટણી બુધવારે તમામ રાજકીય પક્ષના પ્રમુખોની બેઠક બોલાવતી મોદી સરકાર : નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારે આગામી ૧૯ જૂને સંસદમાં પ્રતિનિધિત્વ ધરાવતા તમામ રાજકીય પક્ષોનાં પ્રમુખોની મીટીંગ બોલાવી છે જેમાં વન કન્ટ્રી-વન નેશન સહિતના સંખ્યાબંધ મહત્વના વિષયોને આવરી લેવાશે. access_time 1:06 pm IST

  • ઉ. પ્ર.માં મોટો વિજદર વધારો આવી રહ્યો છે : ઉત્ત્ર પ્રદેશ પાવર યુટીલિટીએ ઇલેકટ્રીસિટીના દરોમાં ૨૫ % જેવો જંગી વધારો ઝીંકવા ભલામણ કરી છે. access_time 1:03 pm IST