Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

હવે ખાલી દંડ ભરીને નહીં છટકી શકે કરચોરો

સીબીડીટીની નવી ગાઇડલાઇન આજથી લાગુ : જાણીજોઇને ચોરી કરી તો જવું પડશે જેલમાં

નવી દિલ્હી, તા. ૧૭ : કેન્દ્ર સરકારે કાળુ નાણું ભેગુ કરનાર પર સકંજો કસવાની તૈયારીઓ કરી લીધી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) એ આના માટે નવા દિશા નિર્દેશો બહાર પાડયા છે જે સોમવારથી લાુ થઇ જશે તેના અનુસાર કર ચોરી કરીને કાળુ નાણું ભેગુ કરનાર ખાલી દંડ ભરીને નહીં બચી શકે.

દિશા નિર્દેશો અનુસાર કર ચોરીના મામલામાં અદાલતની બહાર કોઇ સમજૂતિ નહીં થાય. કરચોરી માટે કેસ ચાલશે અને ચુકાદા અનુસારની સજા તેણે ભોગવવી પડશે. તેના અનુસાર કાળા નાણા અને બેનામી સંપતિ કાયદા હેઠળ મોટા ભાગના ગુના સામાન્ય રીતે નોન કંપાઉન્ડેબલ હશે, એટલે ફકત દંડ ભરીને કોઇ પણ ગુનેગાર છટકી નહીં શકે. દિશા નિર્દેશો અનુસાર, કોઇ પણ સંસ્થા અથવા વ્યકિત કરચોરીના કેસમાં ફકત ટેક્ષની માંગણી, દંડ અને વ્યાજની ચુકવણી કરીને કેસનું સમાધાન નહીં કરી શકે.

સોમવારથી જે પણ કેસ કરચોરીમાં આવશે, તેને નવા નિર્ણય પ્રમાણે જ આગળ વધારવામાં આવશે. સીબીડીટીએ ૧૩ પ્રકારના કેસની યાદી બહાર પાડી છે, જે કંપાઉન્ડેડ (કોર્ટની બહાર સમાધાન થઇ શકે તેવા) શ્રેણીમાં નહીં આવે. સાથે જ ગુનાને તેની ગંભીરતા અનુસાર બે વર્ગ 'અ'ે અને 'બી' માં રાખવામાં આવ્યા છે. સીબીડીટીએ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સુધારેલા દિશાનિર્દેશો એજન્સીઓને પહોંચાડવા કહ્યું અને તેના અનુસાર જ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

'બી' વર્ગમાં જાણી જોઇને કરચોરી કરવાનો પ્રયાસ, ખાતા અથવા અન્ય નાણાકીય દસ્તાવેજો રજૂ ન કરવા અને તપાસ દરમ્યાન ખોટા બયાન આપવાના કેસ આવે. જાણી જોઇને કર ન ચૂકવવો, સંપતિ છુપાવવી અથવા કર બચાવવા બીજાના નામે કરવી અથવા દરોડા દરમ્યાન દસ્તાવેજો અથવા સબૂત છૂપાવવાના કેસ કોર્ટની બહાર નહીં નિપટાવાય. કોર્ટમાં આ કેસ ચાલશે અને સજા થશે. જાહેર કર્યા વગરની અથવા બેનામી સંપતિ સાથે જોડાયેલા કાળા નાણાના કેસમાં પણ કોર્ટની બહાર સમાધાન નહીં થાય.

(4:02 pm IST)