Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

બે દિવસીય ભાજપ - RSSની ચિંતન બેઠક થઈ પૂર્ણ : ૨૦૧૯ની ચુંટણીમાં ૩૦૦+ બેઠકના લક્ષ્યાંકનો કરાયો સંકલ્પ : તમામ ભાજપી સાંસદોનું બનાવશે રીપોર્ટકાર્ડ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહીત ભાજપ - RSSના દિગ્ગજ નેતાઓ બેઠકના સમાપનમાં રહ્યા હાજર

નવી દિલ્હી : સુરજકાંડમાં BJP અને RSSની બેઠકમાં 2019ની ચુંટણીમાં 300થી વધારે સીટો મેળવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. બે દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં RSSના અમુક અધિકારીઓ સિવાય સંઘમાંથી BJPમાં મોકલવામાં આવેલા લગભગ 60 સંગઠન મંત્રીઓને બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં સંઘના બીજા નંબરના નેતા મનાતા સરકાર્યવાહ સુરેશ રાવ જોશીની સાથે સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે અને સહ સરકાર્યવાહ ડૉક્ટર કૃષ્ણ ગોપાલે ભાગ લીધો હતો. શનિવારે આ બેઠકના સમાપનમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ હાજરી આપી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં પૂર્વોત્તરના રાજ્યો પર સૌથી વધુ ફોક્સ કરવાની વાત કહેવામાં આવી છે. સાથે જે રાજ્યોમાં 2014માં પાર્ટીને પર્યાપ્ત સમર્થન મળ્યું નહોતું, તે તમામ રાજ્યોમાં સૌથી વધુ મહેનત કરવાની સલાહ પણ આપવામાં આવી છે. શનિવારે લગભગ 8 કલાક સુધી બીજેપી અધ્યક્ષ અમિત શાહ બેઠકમાં હાજર રહ્યા હતા. તે દરમિયાન તમામ સંગઠન મંત્રીઓને પોતાના ક્ષેત્રના સાંસદોને રિપોર્ટ કાર્ડ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ રિપોર્ટ કાર્ડના આધાર પર 2019માં ટિકિટ વહેંચણીનો નિર્ણય લેવામાં આવશે.

બેઠકનો પહેલો દિવસ પીએમ મોદીએ સંઘ અને બીજેપીના અમુક નેતાઓને પોતાના આવાસ પર રાત્રિભોજન માટે બોલાવ્યા હતા. તેમાં સરકાર્યવાહ ભૈયાજી જોશી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી રામલાલ સિવાય અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

(12:16 am IST)