Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

પૂર્વોત્તરમાં પૂરનો પ્રકોપ : ૧૩ના મોત : આસામ - મણિપુરમાં સ્થિતિ વણસી

હજારો લોકો બેઘર : નદીઓ ઉફાણ પર : સેનાએ હાથ ધર્યુ રેસ્કયુ ઓપરેશન

આસામ તા. ૧૬ : પૂરની સમસ્યાથી પરેશાન પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદના કારણે સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૪૮ કલાકમાં ભારે વરસાદ બાદ પુરના કારણે ત્રિપુરા અને મણિપુરમાં ૧૩ લોકોનાં મોત થયા છે. જયારે હજારો લોકો બેઘર થઇ ગયા છે. ટ્રેન અને બાકી અન્ય સેવાઓ પણ પ્રભાવિત થઇ છે.

બીજી બાજુ ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ધુળની ચાદર પથરાય છે. આ બધાની વચ્ચે પૂર્વોત્તર રાજ્યમાં પરિસ્થિતિ વણસી છે. મણિપુર અને આસામના અનેક જિલ્લામાં નદિઓમાં પૂર આવ્યા છે ત્યાં ભારતીય સેના દેવદૂત બનીને લોકો વચ્ચે પહોંચી છે. અત્યાર સુધીમાં એકલા મણિપુરમાં સેનાએ પુરમાં ફસાયેલા ૪૩૦ લોકોનું જીવન બચાવીને તેઓને સુરક્ષિત જગ્યાએ ખસેડયા છે.

ત્રિપુરાની સ્થિતિ અત્યંત ગંભીર છે. ત્રિપુરામાં ૧૪ હજાર લોકો બેઘર થઇ ગયા અને ત્યાં ભારે વરસાદથી રાજ્યના અનેક ભાગમાં પાણી ભરાયા છે. મણિપુરમાં રાજ્ય સરકારે ઇમ્ફાલ અને તેના આસપાસના જિલ્લામાં પુરના કારણે દરેક શિક્ષણ તેમજ સરકારી પ્રતિષ્ઠાનોમાં આવતા આદેશ સુધી રજાઓ જાહેર કરી દીધી છે. પુર પ્રભાવિત લોકોની મદદ માટે રાજ્યમાં ૧૫ રાહત કેમ્પો સ્થાપિત કરવામાં આવ્યા છે.

ત્રિપુરામાં ગુરૂવારે ત્રણ લોકો પુરમાં તણાઇ ગયા હતા જયારે એક વ્યકિતનું ભૂસ્ખલનના કારણે મોત નિપજયું હતું. રાજય સરકારે મૃતકોના પરિવારોને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાતકરી છે. આ અગાઉ ગુરૂવારે મુખ્યપ્રધાન બિપ્લવ દેવે કેન્દ્ર સરકાર પાસેથી મદદ માગી હતી.

એક અહેવાલ મુજબ ૪૦ હજાર લોકોને ૧૭૩ રાહત શિબિરમાં મોકલવામાં આવ્યા છે. જયારે મણિપુરમાં અત્યાર સુધીમાં ૬ લોકોનાં મોત નિપજયાં છે. રિલિફ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટના રિપાર્ટ અનુસાર મણિપુરમાં પુરના કારણે ૧૦૧ ગામ અને ૧.૫ લાખ લોકો પ્રભાવિત થયા છે.

જયારે આસામમાં સાત જિલ્લામાં અંદાજે ચાર લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જયારે મિઝોરમમાં પૂરના કારણે અત્યાર સુધીમાં ૧૦૬૬ પરિવારને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે. સૌથી વધારે લુંગલેઇ જિલ્લામાં પુરનો પ્રકોપ જોવા મળ્યો છે. જયાં એક સાથે ૭૦૦ પરિવારને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.(૨૧.૧૦)

(11:33 am IST)