Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

સરહદ પર તણાવ વચ્ચે ભારત-પાકિસ્તાન અને ચીની સેના સંયુક્ત યુદ્ધ અભ્યાસ કરશે

રશિયામાં યોજાનારી મલ્ટીનેશનલ એક્સરસાઇઝ ‘કવકાઝ-2020’માં રશિયાએ પાકિસ્તાન અને ચીનને પણ યુદ્ધ એક્સરસાઇઝમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે ત્રણેય દેશોની સેના સંયુક્ત યુદ્ધ અભ્યાસકરશે. રિપોર્ટ મુજબ ભારતીય સેનાની ત્રણેય પાંખ સપ્ટેમ્બરમાં રશિયામાં યોજાનારી મલ્ટીનેશનલ એક્સરસાઇઝ ‘કવકાઝ-2020’માં ભાગ લેવા જશે. ખાસ વાત એ છે કે રશિયાએ પાકિસ્તાન અને ચીનને પણ આ યુદ્ધ એક્સરસાઇઝમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.

રિપોર્ટ મુજબ આ મહત્વની યુદ્ધ એક્સરસાઇઝ રશિયાના કોકેશસ વિસ્તારમાં 15-16 સપ્ટમ્બરે યોજાશે. છેલ્લા બે વર્ષોની જેમ જ રશિયાએ આ વખતે પણ SCO (શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન) દેશોની સેનાઓને આમંત્રણ આપ્યું છે. આ સંગઠનમાં ભારત અને રશિયા સહિત ચીન અને પાક. પણ સામેલ છે.

અહેવાલ મુજબ ભારત તરફથી સેનાની ત્રણેય પાંખ (ભૂમિસેના, વાયુસેના અને નૌકાદળ)ની ટીમો યુદ્ધ અભ્યાસમાં ભાગ લેવા જશે. કોવિડ મહામારી બાદ આ પ્રથમ એક્સરસાઇઝ છે, જેમાં ભાગ લેવા માટે ભારતીય સેના બહાર જઇ રહી છે.

આ એક્સરસાઇઝ એવા સમયે છે, જ્યારે પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીની સેના વચ્ચે છેલ્લા 100 દિવસોથી સંઘર્ષની સ્થિતિ બનેલી છે. ગલવાન ખીણમાં તો હિંસક અથડામણ પણ થઇ ગઇ. ઉપરાંત પાકિસ્તાન સાથે પણ તણાવનો માહોલ છે.

નોંધનીય છે કે વર્ષ 2018માં રશિયાના ચેબરકુલ (ચેલયાબિંસક)માં થયેલી SCO એક્સરસાઇઝ બાદથી રશિયા દર વર્ષે એક બહુરાષ્ટ્રીય એક્સરસાઇઝ કરાવે છે. ત્યારે પહેલી વખત ભારતે બંને પાડોશી અને દુશમન દેશ ચીન-પાક. સાથે આમા ભાગ લીધો હતો. જ્યારે 2017માં ભારત-ચીન વચ્ચે ડોકલામ વિવાદને કારણે બંને દેશોએ દ્વિપક્ષીય યુદ્વ અભ્યાસ અને હેન્ડ ઇન હેન્ડ રદ કરી દીધા હતા. તેમ છતાં બંને દેશોની સેનાએ SCO એક્સરસાઇઝમાં જરુર ભાગ લીધો હતો.

ગત વર્ષે પણ રશિયાના ટી-સેન્ટર યુદ્ધઅભ્યાસમાં ભારત-ચીન અને પાકિસ્તાન સહિત આશરે એક ડઝન દેશોએ ભાગ લીધો હતો.

(10:29 pm IST)