Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

31 માર્ચ સુધી વેચાયેલા BS-4 વાહનોના રજિસ્ટ્રેશનની સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી

કામચલાઉ નોંધણી સહિત ઇ-પોર્ટલ પર તમામ નોંધણીને મંજૂરીઃ દિલ્હી-એનસીઆરમાં વાહનોની નોંધણીની મંજૂરી નથી આપીઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી: લૉકડાઉનના કારણે 31 માર્ચની સમય-સીમા પહેલા જે લોકો પોતાના વાહનોનું રજિસ્ટ્રેશન નથી કરાવી શક્યા, તેમને સુપ્રીમ કોર્ટ  તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી વેચાયેલા BS-4 વાહનો (BS4 Vehicles)ના રજિસ્ટ્રેશનની મંજૂરી આપી દીધી છે.

જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતા ધરાવતી પીઠે જણાવ્યું કે, કામચલાઉ નોંધણી સહિત ઈ-પોર્ટલ પર તમામ નોંધણીને મંજૂરી છે. જો કે આ છૂટ દિલ્હી-NCRને લાગૂ નહીં થાય.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમે દિલ્હી-એનસીઆરમાં વાહનોની નોંધણીની મંજૂરી નથી આપી શકતા. માત્ર એવા જ BS-4 વાહનોને રજિસ્ટર્ડ કરવામાં આવશે. જેને લૉકડાઉન પહેલા વેચવામાં આવ્યા હતા અને વાહન ઈ-પોર્ટલ પર અપલોડ કર્યું હતુ.

એટલે કે, લૉકડાઉન બાદ વેચવામાં આવેલા BS-4 વાહનોના રજિસ્ટ્રેશન પર રોક યથાવત રહેશે. 31 માર્ચ બાદ વેચવામાં આવેલા BS-4 વાહનોની નોંધણી નહી થાય. આ સાથે જ સુપ્રીમ કોર્ટે એવા કેટલાક વાહનોના રજિસ્ટ્રેશન પર રોક લગાવી છે, જે લૉકડાઉન દરમિયાન ડિલરો દ્વારા વેચવામાં આવ્યા હતા.

ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) તરફથી પક્ષ રજૂ કરી રહેલા વરિષ્ઠ વકીલ કેવી વિશ્વનાથને જણાવ્યું કે, અમે કોર્ટ જે કહેશે, તેનું પાલન કરીશુ.

બીજી તરફ કેન્દ્રનો પક્ષ રજૂ કરી રહેલા સૉલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ પીઠ સમક્ષ દલીલ કરી હતી કે, 39,000 વાહનોની વિગતો અપલોડ નથી કરવામાં આવી. આ સિવાય અન્યની તપાસ કરવામાં આવી છે અને તેની જાણકારીની વિગતો ઈ-પોર્ટલ પર ઉપલબ્ધ છે. સુપ્રીમ કોર્ટે એવા 39,000 વાહનોના રજિસ્ટ્રેશનને મંજૂરી નથી આપી. જેમણે ઈ-વાહન પર અપલોડ નથી કરવામાં આવ્યા.

જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટ BS-4 વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશન માટે 31 માર્ચ 2020ની ડેડલાઈન નક્કી કરી હતી. આ દરમિયાન 22 માર્ચે જનતા કરફ્યુ હતો અને 25 માર્ચથી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ થઈ ગયું. જ્યારે ડીલરો પાસે મોટી સંખ્યામાં BS-4 ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો વેચાણ માટે બચી હતી. આથી ડીલરો આ વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશનનો સમય વધારવાની માંગ કરતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

(9:50 am IST)