Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

નાગરિકતા બિલઃ રાષ્ટ્રપતિની મંજુરીઃ બની ગયો કાયદો

ત્રણ દેશોના લઘુમતી શરણાર્થી બનશે 'ભારતીય': ૩૧ ડીસે-૨૦૧૪ સુધી પાક, અફધાન, બાંગ્લાદેશથી ભારત આવેલા લઘુમતી હવે ગેરકાયદે ઘુસણખોર નહિઃ પુર્વોત્તરમાં જારી હિંસા વચ્ચે ગઇ મોડી રાત્રે રાષ્ટ્રપતિ કોવિંદની મંજુરી બાદ જાહેરનામુ પ્રસિધ્ધઃ ગેઝેટ પ્રકાશન સાથે લાગુ થયો તેવો કાયદો

નવી દિલ્હી, તા.૧૩: પૂર્વોત્તરમાં જારી હિંસા વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજયસભામાં પસાર થયાના બીજા જ દિવસે નાગરિકતા સંશોધન બિલ ૨૦૧૯ને મંજુરી આપી દીધી છે. એ સાથે જ એ કાયદો બની ગયો છે અને પાકિસ્તાન, અફધાનીસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. ગઇ મોડી રાત્રે જારી જાહેરનામા અનુસાર આ કાનુન ગેઝેટ સાથે લાગુ થઇ ગયો છે.

 

નાગરિકતા સંશોધન વિધેયક ૨૦૧૯ બુધવારે રાજયસભામાં પારિત થઈ ગયું હતું. આ વિધેયક લોકસભામાં પહેલા જ પારિત થઈ ગયું હતું. ગુરુવારની મોડી રાત્રે રાષ્ટ્રપતિએ આ વિધેયકને મંજૂરી આપી દેતાં હવે આ વિધેયક કાનૂન બની ગયો છે. રાજયસભામાં વિધેયકનાં પક્ષમાં ૧૨૫ જયારે વિરોધમાં ૧૦૫ વોટ પડયા હતા.

આ પહેલાં વિધેયકને સેલેકટ કમિટીની પાસે મોકલવાના પ્રસ્તાવને નામંજૂર કરી દેવામાં આવ્યો હતો. આ કાનૂન બાદ દેશનાં અલગ અલગ ભાગોમાં ગેરકાયદે રહેતાં અપ્રવાસીઓ માટે નિવાસનું કોઈ પ્રમાણપત્ર ન હોય તો પણ નાગરિકતા હાંસલ કરવું હવે સરળ બની ગયું છે.

રાષ્ટ્રપતિએ કોવિંદે આ બિલને મંજૂરી આપી દીધા બાદ નાગરિકતા કાનૂન, ૧૯૫૫માં સંબંધિત સંશોધન થઈ ગયું છે. તેનાથી ૩ પાડોશી ઈસ્લામી દેશ- પાકિસ્તાન, અફદ્યાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક યાતનાઓનો શિકાર થઈન ભારતની શરળમાં આવનારને સરળતાથી નાગરિકતા મળી શકશે.

ભારતની નાગરિકતા મેળવવા માટેની સમયસીમા ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ હશે. એટલે કે, આ તારીખ પહેલાં કે આ તારીખ સુધી ભારતમાં પ્રવેશ કરનાર નાગરિકતા માટે આવેદન કરવા માટે યોગ્ય ગણાશે. આ કાનૂન અનુસાર હિન્દુ, શીખ, બૌદ્ઘ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોનાં જે સભ્યો ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફદ્યાનિસ્તાનથી ભારત આવ્યા છે, તેઓને ગેરકાનૂની પ્રવાસી નહીં માનવામાં આવે. અને તેઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે.(૨૩.૫)

(10:30 am IST)