Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વિશ્વમાં બ્રાઝીલને પાછળ મૂકીને બીજા નંબરે ભારત

કોરોનાની બેકાબુ રફતારઃ બ્રાઝીલમાં ભારત કરતા સંક્રમિતોની સંખ્‍યા ઓછી

નવી દિલ્‍હી, તા. ૧૩ :. કોરોનાથી સંક્રમિત લોકોના આંકડાની દ્રષ્‍ટિએ નજર નાખીએ તો બ્રાઝીલને પાછળ છોડીને ભારત બીજા સ્‍થાન પર પહોંચી ગયુ છે. ગઈકાલે કોરોનાના અત્‍યાર સુધીમાં ૧,૬૮,૯૧૨ કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્‍યા વધીને ૧,૩૫,૨૭,૭૧૭ થયા છે. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના એકટીવ કેસની સંખ્‍યા ૧૨ લાખથી વધુ નોંધાય છે.

કોરોના સંક્રમણના કારણે ૯૦૪ના મોત થવાથી મૃત્‍યુઆંક ૧,૭૦,૧૭૯ થયો છે. દેશમાં સંક્રમિત લોકોનો સ્‍વસ્‍થ હોવાનો દર ૯૦ ટકાથી પણ ઓછો થયો છે. અમેરિકાના જોન હોપકિન્‍સ વિશ્વ વિદ્યાલયના આંકડા મુજબ સંક્રમિતોની સંખ્‍યા મામલે ભારત બ્રાઝીલથી આગળ નીકળી ગયું છે. બીજી બાજુ બ્રાઝીલમાં કોરોનાના અત્‍યાર સુધીમાં અત્‍યાર સુધીમાં ૧,૩૪,૮૨,૦૨૩ કેસ નોંધાયા છે.

અમેરિકામાં સૌથી વધુ ૩,૧૧,૯૮,૦૫૫ કેસ આવી ચૂકયા છે. બીજી બાજુ સમગ્ર વિશ્વમાં સંક્રમણનો આંકડો ૧૩ કરોડ ૬૧ લાખ સુધી પહોંચી ગયો છે. બીજી બાજુ સંક્રમણના દૈનિક કેસમાં સતત ૩૩માં દિવસે થયેલા વધારા વચ્‍ચે દેશમાં એકટીવ દેશોની સંખ્‍યા વધી ૧૨,૦૧,૦૦૯ થઈ છે. જે સંક્રમણના કુલ કેસના ૮.૮૮ ટકા છે. દેશમાં કોરોના સંક્રમણને હરાવીને સ્‍વસ્‍થ થવાનો દર હવે ૮૯.૮૬ ટકા નોંધાયો છે. ભારતમાં કોરોનાના કેસ સાત ઓગષ્‍ટે ૨૦ લાખનો આંકડો પાર કરી ગયા હતા. ત્‍યાર બાદ સંક્રમણના કેસ ૨૩ ઓગષ્‍ટે ૩૦ લાખ, પાંચ સપ્‍ટેમ્‍બરે ૪૦ લાખ અને ૧૬ સપ્‍ટેમ્‍બરે ૫૦ લાખને પાર ચાલી ગયા હતા.

 

(11:35 am IST)