Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

દેશમાં બે પીએમની વાત પર શરદ પવાર મૌન કેમ : વડાપ્રધાન નરેન્દ્રમોદી

અહેમદનગર રેલીમાં શરદ પવાર પર તીવ્ર પ્રહારો : આતંકવાદીઓને હવે એક નાની ભુલ પણ ખુબ ભારે પડી શકે છે : ત્રાસવાદીઓમાં હવે ખળભળાટ અને દહેશત છે

નવીદિલ્હી, તા. ૧૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ ઝંઝાવતી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં મોદી વ્યસ્ત રહ્યા હતા. સૌથી પહેલા મોદીએ મહારાષ્ટ્રના અહેમદનગરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ ગાળા દરમિયાન મોદીએ કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ જમ્મુ કાશ્મીરમાં અલગ વડાપ્રધાનની વાત કરનાર ઓમર અબ્દુલ્લાના નિવેદનને લઇને આકરા પ્રહાર કર્યા હતા અને દેશમાં બે વડાપ્રધાનની વાત પર શરદ પવાર ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને કોંગ્રેસની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, તુગલક રોડ ચૂંટણી કૌભાંડ હવે સપાટી ઉપર આવી ચુક્યું છે. વડાપ્રધાને કહ્યું હતું કે, જ્યારે ૨૩મી મેના દિવસે દેશમાં ફરી મોદી સરકાર આવશે ત્યારે દેશના તમામ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવશે. પાકિસ્તાનમાં ઘુસીને કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ત્રાસવાદીઓને હવે કોઇ એક ભુલ પણ ભારે પડી શકે છે. પહેલાના સમયમાં નબળી સરકાર હતી અને કોઇ કાર્યવાહી થતી ન હતી. અમારા જવાનો જવાબી કાર્યવાહીની માંગ કરતા હતા પરંતુ સરકાર દ્વારા કોઇ કાર્યવાહી થતી ન હતી પરંતુ ચોકીદારની સરકાર પાકિસ્તાનના આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારવા માટે પોતાના સપૂતોને મંજુરી આપે છે. ભારતે હવે દુનિયાના દેશો સમક્ષ મદદની માંગ કરવાનું બંધ કરી દીધું છે. પોતાની તાકાતનો પરિચય ભારતે હવે આપવાની શરૂઆત કરી છે. શરદ પવાર ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, વર્ષો પહેલા દેશની ભાવનાઓને સમજીને કોંગ્રેસ સાથે છેડો ફાડી લેનાર શરદ પવાર હવે એજ કોંગ્રેસ સાથે બેઠા છે. કોંગ્રેસ સાથે હાથ મિલાવી દીધા છે. પવાર એવા લોકો સાથે જે કહી રહ્યા છે કે, જમ્મુ કાશ્મીરને ભારતન્થી અલગ કરી દેવામાં આવશે. અલગ વડાપ્રધાન બનાવવામાં આવશે. કોંગ્રેસ પાસેથી કોઇ આશા નથી કારણ કે, તમામ પાપ વિતેલા વર્ષોમાં તેમના દ્વારા જ કરવામાં આવ્યા છે પરંતુ શરદ પવાર પાસેથી આવી અપેક્ષા રાખી શકાય નહીં. કારણ કે, વર્ષો પહેલા પવારે કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો. હવે જ્યારે દેશમાં બે વડાપ્રધાનની વાત થઇ રહી છે ત્યારે પવાર શાંત કેમ છે તે સમજાતુ નથી. શરદ રાવની પાર્ટીનું નામ રાષ્ટ્રવાદી રાખવામાં આવ્યું છે પરંતુ હવે જનતાની આંખમાં ધૂળ નાંખવાનું કામ કરી રહ્યા છે. છત્રપતિ શિવાજીની ધરતીના હોવા છતાં તેમને ઊંઘ કેમ આવી રહી છે.

૨૩મી મેના દિવસે ફરીવાર મોદી સરકાર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે જે યોજનાઓ નક્કી કરવામાં આવી છે તે ઝડપથી આગળ વધશે. ખેડૂતોને નિયમિત પેન્શન આપવામાં આવશે. કોંગ્રેસને દૂર કરવાથી ગરીબીને દૂર કરી શકાશે. પાણીના સંદર્ભમાં એક અલગ મંત્રાલય બનાવવામાં આવશે. બીજી બાજુ કર્ણાટકમાં પણ મોદી ગંગાવતીમાં ચૂંટણી સભા સંબોધવા પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસની સત્તારુઢ પાર્ટી અને જનતા દળ સેક્યુલર પર પ્રહાર કર્યા હતા. જેડીએસના નેતા રેવન્નાની રાજનીતિમાંથી સન્યાસ લેવાની વાત પર મોદીએ કહ્યું હતું કે, ૨૦૧૪માં આવું જ વચન દેવગૌડાએ પણ કર્યું હતું પરંતુ તેઓએ કોઇ સન્યાસ લીધો ન હતો. આવી જ રીતે તેમના પુત્ર દ્વારા પણ સન્યાસ લેવામાં આવશે નહીં. દેવગૌડાના મોટા પુત્ર રેવન્નાએ કહ્યું હતું કે, જો ૨૦૧૯માં ફરી એનડીએ સરકાર આવશે તો તેઓ રાજનીતિમાંથી નિવૃત્તિ લઇ લેશે. ૨૦૧૪માં આવી જ વાત દેવગૌડાએ પણ કરી હતી પરંતુ દેવગૌડા હજુ પણ રાજનીતિમાં છે. તેમના પુત્ર દ્વારા પણ કોઇ નિવૃત્તિ લેવામાં આવશે નહીં.

 

(7:27 pm IST)