Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

દેવગૌડાના પુત્રનું એલાન, 'જો મોદી ફરીથી ચૂંટણી જીત્યા તો રાજકારણમાંથી સન્યાસ લઈ લઈશ'

દેવગૌડાના મોટા પુત્ર એચ ડી રેવન્ના કર્ણાટક સરકારમાં મંત્રી છે: રેવન્નાએ ગુરુવારે કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા બેઠક પરથી ફરીથી જીતી ગયા અને વડાપ્રધાન બની ગયા તો તેઓ રાજકારણમાંથી સન્યાસ લઈ લેશે

મૈસૂર, તા.૧૨: લોકસભા ચૂંટણી ૨૦૧૯માં રાજકીય નેતાઓના નિવેદનો સતત વિવાદ સર્જતા જોવા મળી રહ્યાં છે. જાત જાતના વાયદા કરાય છે... આ વાયદાનું કેટલું પાલન થશે તે તો આવનારો સમય જ જણાવશે. પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાના મોટા પુત્ર એચ ડી રેવન્ના કર્ણાટક સરકારમાં મંત્રી છે.  રેવન્નાએ ગુરુવારે કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા બેઠક પરથી ફરીથી જીતી ગયા અને વડાપ્રધાન બની ગયા તો તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે.

બેંગ્લુરુથી લગભગ ૧૫૦ કિમી દૂર મૈસૂરુમાં રેવન્નાએ પત્રકારોને કહ્યું કે, 'જો મોદી વારાણસીમાંથી ફરીથી જીત્યા અને વડાપ્રધાન બની ગયા તો તેઓ રાજકારણમાંથી સન્યાસ લઈ લેશે. ભાજપ આ વખતે ફરીથી સત્તામાં નહીં આવે.

મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીના મોટાભાઈ રેવન્ના મૈસૂરુથી કોંગ્રેસ ઉમેદવાર સી એચ વિજયશંકરના પ્રચાર માટે આવ્યાં હતાં. તેઓ અહીંથી ભાજપના વર્તમાન સાંસદ પ્રતાપ સિમ્હા સામે ચૂંટણી લડી  રહ્યાં છે. તેમણે કહ્યું કે, યુપીએને ફરીથી સત્તામાં લાવવા માટે અને સાંપ્રદાયિક ભાજપને સત્તામાંથી બહાર કરવા માટે અમારી પાર્ટીએ ચૂંટણી અગાઉ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. કારણકે અમે દેશ ભરમાં પરેશાન ખેડૂતોના હિતોની રક્ષા કરી છે.રેવન્નાએ કહ્યું કે હું એ જાણવા માંગુ છું કે, મોદીએ છેલ્લા પાંચ વર્ષોમાં શું કર્યું છે. રાજય સરકારે જો કે ૧૫ લાખ ખેડૂતોની વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ યોજનાનો લાભ અપાવવા માટે કેન્દ્ર સરકારને સૂચિ મોકલી હતી, જેના માટે મોદી કહે છે કે કેન્દ્રને હજુ સુધી એ સૂચિ મળી નથી. જે જૂઠ્ઠુ છે.

(11:47 am IST)