Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સૈન્યનું રાજનીતિકરણ અટકાવોઃ ૮ પૂર્વ સૈન્ય વડાઓનો રાષ્ટ્રપતિને પત્ર

રાજકીય નેતાઓ સીમા પર કાર્યવાહીઓ જેમ કે લશ્કરી ઓપરેશનની ક્રેડીટ લઈ રહ્યા છેઃ દેશની સેનાને 'મોદીજી કી સેના' ગણાવી રહ્યા છે જે બિલકુલ અસામાન્ય અને અસ્વિકાર્ય છેઃ આર્મીનો મતો માટે ઉપયોગ થવો ન જોઈએઃ ભારતીય આર્મી બીનરાજકીય છેઃ રાષ્ટ્રપતિ સૈન્યના સેકયુલર મૂલ્યોને સુરક્ષિત કરવાના પગલા લ્યેઃ પત્રમાં ૧૫૦થી વધુ પૂર્વ સૈન્ય અધિકારીઓની સહીઓ

નવી દિલ્હી, તા. ૧૨ :. ત્રણેય સેનાઓના ૮ પૂર્વ પ્રમુખ સહિત ૧૫૦થી વધુ પૂર્વ સૈન્ય અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સૈન્યના રાજનીતિકરણ વિરૂદ્ધ એક પત્ર લખ્યો છે. આ પત્રમાં એવી ફરીયાદ કરવામાં આવી છે કે સત્તાધારી પક્ષ સર્જિકલ સ્ટ્રાઈક જેવા સૈન્યના ઓપરેશનનો શ્રેય લઈ રહ્યો છે. તેઓએ માંગણી કરી છે કે રાષ્ટ્રપતિ રાજકીય પક્ષોને કોઈપણ મિલીટ્રી એકશન કે ઓપરેશનનું રાજનિતીકરણ નહી કરવા દેવાના આદેશો આપે. પૂર્વ સેનાધ્યક્ષોની આ અપીલ ગઈકાલે પ્રથમ ચરણના મતદાનમાં કલાકો બાદ જાહેર કરવામા આવેલ છે. રાષ્ટ્રપતિને લખવામાં આવેલા પત્રમાં કહેવાયુ છે કે રાજકીય નેતાઓ સીમા પાર કાર્યવાહીઓ જેવી લશ્કરી ઓપરેશનની ક્રેડીટ લઈ રહ્યા છે અને આનાથી પણ બે ડગલા આગળ વધીને દેશની સેનાને 'મોદીજી કી સેના' ગણાવી રહ્યા છે જે બીલકુલ અમાન્ય અને અસ્વીકાર્ય છે.

જો કે પત્રમાં કોઈ ખાસ રાજકીય પક્ષ કે નેતાનું નામ લખવામાં આવ્યુ નથી. અત્રે નોંધનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક સ્થળે સેનાની કાર્યવાહીઓનો રાજકીય ઉપયોગ થતો જોવા મળે છે. જેને કારણે ખુદ ચૂંટણી પંચે પણ દરમિયાનગીરી કરવી પડી છે અને સેના સાથે જોડાયેલ પોસ્ટરો અને બેનરોનો ઉપયોગ કરવા ઉપર મનાઈ ફરમાવવી પડી છે. મંગળવારે પીએમ મોદીએ પહેલીવાર મતદાન કરનાર મતદારોને તેમનો પહેલો મત બાલાકોટ એરસ્ટ્રાઈક અને પુલવામાના શહીદોને સમર્પિત કરવાનો આગ્રહ કર્યો હતો. આ સિવાય યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના ચૂંટણી પ્રવચનમાં સલામતી દળોને 'મોદીજી કી સેના' કહીને સંબોધીત કરી હતી.

ગઈકાલે જાહેર થયેલ આ પત્રમાં રાષ્ટ્રપતિને અનુરોધ કરવામાં આવ્યો છે કે રાજકીય પક્ષો દ્વારા સૈન્યનો રાજનિતીક લાભ લેવામાં આવી રહ્યો છે જે બંધ કરાવવાના નિર્દેશો આપે. આ પૂર્વ અધિકારીઓએ લખ્યુ છે કે, ભારતીય લશ્કર બીનરાજકીય હોય છે અને ભારતીય લશ્કરી દળો લોકશાહીના સિદ્ધાંતોને વફાદાર હોય છે. તેઓ દેશને વફાદાર હોય છે. આ પત્રમાં સહી કરનારાઓમાં પૂર્વ સૈન્ય વડા એસ.એફ. રોડ્રીગ્સ, જનરલ રોય ચૌધરી, જનરલ દીપક કપુર, એડમીરલ લક્ષ્મીનારાયણ રામદાસ, એડમીરલ વિષ્ણુ ભાગવત, એડમીરલ અરૂણ પ્રકાશ, એડમીરલ સુરેશ મહેતા અને ચીફ માર્શલ એન.સી. સુરી જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ લોકોએ એક સ્વરમાં રાષ્ટ્રપતિને દેશની સેનાના સેકયુલર મૂલ્યોને સુરક્ષિત રાખવાનો આગ્રહ કર્યો છે. આ લોકોએ કેટલાક ફોટાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. જેનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ થઈ રહ્યો છે. લશ્કરના યુનિફોર્મમાં પક્ષના કાર્યકરો પ્રચાર કરતા દેખાયા છે. તેઓએ કહ્યુ છે કે રાજકીય પક્ષો ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે.

(11:40 am IST)