Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કોરોનાની વેક્સિન માટેની સ્ટોરેજ ક્ષમતા અને ટ્રાન્સપોર્ટ અંગે રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલો

લોજિસ્ટિક કંપનીના સીઈઓ સુનીલ નાયરનો ઈન્ટરવ્યૂ ટ્વિટર પર શેર કરીને સવાલ પૂછ્યો :ભારતમાં માઈનસ 40 ડિગ્રીથી વધારે ક્ષમતા ધરાવતા સ્ટોરેજ છે જ નહી.

નવી દિલ્હી :  કોરોનાની વેક્સિન બજારમાં આવશે તેવી ચાલી રહેલી અટકળો વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી સરકારને આકરા સવાલ કર્યા છે. રાહુલ ગાંધીએ લોજિસ્ટિક કંપનીના સીઈઓ સુનીલ નાયરનો ઈન્ટરવ્યૂ ટ્વિટર પર શેર કરીને સવાલ પૂછ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, શું દરેક ભારતીય સુધી વેક્સિન પહોંચાડવા માટેની રણનીતિ સરકાર પાસે છે. વેક્સિન સ્ટોર કરવા માટે અને તેને ટ્રાન્સપોર્ટ કરવા માટે માઈનસ 70 ડિગ્રી તાપમાનની ક્ષમતા ધરાવતા સ્ટોરેજની જરુર પડશે

 . આ ઉપરાંત રસીની હેરફેર પણ આ જ પ્રકારના વાતાવરણમાં કરવી પડશે. આ ક્ષમતા ભારતમાં કોઈ લોજિસ્ટિક કંપની પાસે નથી. ભારતમાં માઈનસ 40 ડિગ્રીથી વધારે ક્ષમતા ધરાવતા સ્ટોરેજ છે જ નહી

  અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. ત્યારે અમેરિકાની ફાર્મા કંપની ફાઇઝરના કોરોનાની વેક્સીનના પરીક્ષણ સફળ રહ્યા છે..જો કે ભારતમાં આ વેક્સીનના સ્ટોર કરવા અંગે મોટો પડકાર છે. એઇમ્સના ડીરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ ફાઇઝરની વેક્સીન અંગે કહ્યું કે ભારતમાં આ વેક્સીનને માઇનસ 70 ડિગ્રી સેલ્સિયસમાં રાખવી એ એક મોટો પડકાર છે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં કોલ્ડ સ્ટોરેજને લઇને પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.

(9:35 pm IST)