Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

નવા કેલેન્ડર વર્ષથી કર પ્રણાલીમાં મોટો ફેરફાર :100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઇ-ઇનવોઇસ અનિવાર્ય

બિઝનેસ-ટુ-બિઝનેસ લેણદેણ પર ઇ-ઇનવોઇસ ફરજિયાત થશે: દરેક ટ્રાન્ઝેક્શન્સ માટે IRN જનરેટ થશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર નવા વર્ષથી ઇ-ઇનવોઇસ પ્રણાલિમાં ફેરફાર કરશે આ માટે એક અધિસુચના જાહેર કરાઈ છે જે મુજબ પહેલી જાન્યુઆરી 2021થી 100 કરોડ રૂપિયાથી વધારે પ્રમાણમાં ટર્નઓવરવાળા કારોબારીઓ અને કંપનીઓ માટે બિઝનેસ-ટુ-બિઝનેસ લેણદેણ (બીટુબી ટ્રાન્ઝેક્શન્સ) પર ઇ-ઇનવોઇસ ફરજિયાત બનાવી દેવાયું છે

તેની સાથે પહેલી એપ્રિલ 2021થી બધા કરદાતા માટે બિઝનેસ-ટુ-બિઝનેસ લેણદેણ પર ઇ-ઇનવોઇસ ફરજિયાત થશે. હાલમાં વર્ષે 500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઇ-ઇનવોઇસ ફરજિયાત છે. ઇ-ઇનવોઇસને ઇ-બિલ પણ કહેવાય છે.

જીએસટી કાયદા હેઠળ બિઝનેસ-ટુ-બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ માટે પહેલી ઓક્ટોબર 2020થી 500 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઇ-ઇનવોઇસ અનિવાર્ય કરી દેવાયું છે. નવા વર્ષથી વર્ષે 100 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે પણ ઇ-ઇનવોઇસ ફરજિયાત થતા હવે તેમના માટે બે મહિનાથી ઓછો સમય તેમના માટે રહ્યો છે. કંપનીઓએ આ સમયગાળામાં નવા નિયમ મુજબ પોતાના બિલિંગ સોફ્ટવેરને અપગ્રેડ કરવું પડશે.

નવી કાર્યપ્રણાલિ હેઠળ વર્ષે 100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી અથવા તેનાથી મોટી કંપનીઓએ દરેક વેચાણ માટે એક યુનિક ઇનવોઇસ રેફરન્સ પોર્ટલ પર જઈને ઇ-ઇનવોઇસ નીકાળવુ પડશે. તેમા એક ઇનવોયર રેફરન્સ નંબર (આઇઆરએન) જનરેટ થશે. નવા વર્ષે આમ ન કરનારી કંપનીઓ બિઝનેસ-ટુ-બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ નહી કરી શકે. સરકારના આ પગલાંથી જીએસટીના નિયમોનું પાલન યોગ્ય રીતે થઈ શકશે. તેનાથી સરકારને જીએસટીથી થતી આવક વધશે

કેન્દ્ર સરકારનું માનવું છે કે આ વ્યવસ્થા અમલમાં આવવાથી કરચોરીની સંભાવનામાં નોંધપાત્ર ઘટાડો થશે. ઇ-ઇનવોઇસ જનરેટ કરવાની પદ્ધતિ બરોબર એવી રીતની છે જેનાથી ઇ-વે બિલ નીકાળવામાં આવે છે. સરકારનું કહેવું છે કે ઇ-ઇનવોઇસ વ્યવસ્થા દ્વારા કંપનીઓના રિટર્ન ભરવાના બોજમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે, કેમકે રિટર્ન ફોર્મમાં ઇનવોઇસ સાથે સંલગ્ન વિગતો પોતાની મેળે દેખાશે. તેથી ઓટોમેટિક મેળવણી શક્ય થશે. તેનાથી કારોબારીઓ અને જીએસટી અધિકારીઓને સગવડ મળશે.

(6:31 pm IST)