Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બિહારમાં પ્‍લૂરલ્‍સ પાર્ટીના ચીફ પુષ્‍પમ પ્રિયા ચૌધરીને ‘નોટા' કરતા પણ ઓછા મત મળતા ઇવીએમમાં છેડછાડનો આરોપ

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં નીતિશકુમારના નેતૃત્વ વાળા NDAને બહુમત પ્રાપ્ત થઈ ગયો છે. જો કે આ વખતે નવી આવેલી પ્લૂરલ્સ પાર્ટીના પ્રદર્શન પર સૌ કોઈની નજર હતી.

પ્લૂરલ્સ પાર્ટીના ચીફ પુષ્પમ પ્રિયા ચૌધરી આ વખતે બિહારની બે બેઠકો પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. જો કે મળતી માહિતી મુજબ, તેમને NOTAથી પણ ઓછા વોટ મળ્યાં છે. જે બાદ તેમણે EVMમાં છેડછાડનો આરોપ પણ લગાવ્યો છે.

પુષ્પમ પ્રિયા બિહારની મધુબની અને બાંકીપુર એમ બે બેઠકો પર ચૂંટણી લડી રહી હતી. પુષ્પમ પ્રિયાએ સ્થાનિક ન્યૂઝ પેપરોમાં જાહેરાત આપીને પોતાને બિહારના આગામી મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. જો કે અંતિમ પરિણામ પર નજર નાંખીએ તો, પુષ્પમ પ્રિયા પોતાની બન્ને બેઠકો પર કારમો પરાજય થયો છે.

પુષ્પમ પ્રિયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, બિહારમાં EVM હેક થઈ ગયા છે. જ્યાં અમારી પાર્ટીના કાર્યકર્તાઓએ મારી સામે અંદર જઈને મત આપ્યો, તે બૂથ પર અમારા ઝીરો મત છે. પ્લૂરલ્સ પાર્ટીના મતને ભાજપે પોતાના પક્ષમાં કરી લીધા છે.

પુષ્પમ પ્રિયાએ લંડનથી પરત ફર્યા બાદ પાર્ટી બનાવી ગતી અને ખુદને મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કર્યાં હતા. તેના પિતા વિનોદ ચૌધરી જનતાદળ યુનાઈટેડ (JDU) નેતા હતા અને તેઓ વિધાનપરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે. આ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન સફેદ ઘોડો છે. પુષ્પમ પ્રિયાની પ્લૂરલ્સ પાર્ટીએ યુવાઓને પોતાની સાથે જોડવા માટેના ભરપુર પ્રયત્નો કર્યા પરંતુ તેમા તેઓ સફળ નથી થયા.

(4:38 pm IST)