Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બિહાર વિધાનસભામાં શિવસેનાને 21 બેઠકો ઉપર ‘નોટા' કરતા પણ ઓછા મત મળ્‍યા, કોંગ્રેસને શીખામણ આપવાની જગ્‍યાએ મોઢુ બંધ રાખેઃ મહારાષ્‍ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરૂપમનો કટાક્ષ

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં NDAને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે, ત્યારે શિવસેનાનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. આ ચૂંટણીમાં શિવસેનાએ પણ 22 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જે તમામનો કારમો પરાજય થયો છે.

એવામાં બિહાર ચૂંટણીના પરિણામોમાં શિવસેનાના સૂપડા સાફ થવાની સ્થિતિ પર મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરુપમે કટાક્ષ કર્યો છે.

સંજય નિરુપમે ટ્વીટ કરીને શિવસેના પર નિશાન સાધતા કહ્યું છે કે, “શિવસેનાએ બિહારમાં 22 બેઠકો પર ચૂંટણી લડી હતી. સાંભળ્યું છે કે, 21 બેઠકો પર તેમને NOTA કરતાં પણ ઓછા વોટ મળ્યાં છે. આથી જ તેઓ કોંગ્રેસને શીખામણ આપવાની જગ્યાએ મોંઢુ બંધ રાખે.

બીજી તરફ બિહાર ચૂંટણીના પરિણામોમાં NDAને બહુમત મળવાને લઈને શિવસેનાએ કટાક્ષ કર્યો છે. પાર્ટીએ મુખપત્ર સામનામાં લખ્યું છે કે, “ચૂંટણીમાં જેની હાર થઈ છે, તે બિહાર સરકાર એટલે કે નીતિશકુમારની થઈ છે. કારણ કે ભાજપે જનતાદળ યુનાઈટેડના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં સરકાર ચલાવી હતી અને ચૂંટણી પણ લડી હતી.

વર્ષ 2015ની ચૂંટણીમાં RJD સાથે મહાગઠબંધનનો હિસ્સો રહેલા નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા હતા. તે સમયે તેમને અભિમાન હતું કે, તેઓ જ બિહારની સરકાર છે. તેમના વિના કોઈ બિહારમાં સરકાર નહીં ચલાવી શકે. આજ અભિમાનમાં તેમણે બળવો પોકારીને ભાજપ સાથે ગયા અને બિહારના મુખ્યમંત્રી બન્યા રહ્યા. જો કે તેમનું આ અભિમાન આ ચૂંટણીમાં ના ટક્યું. ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે તેમની પાર્ટી ત્રીજા નંબરે આવી ગઈ છે.

જણાવી દઈએ કે, બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. 243 વિધાનસભા સીટો ધરાવતા આ રાજ્યમાં ફરીથી એક વખત NDAને બહુમત મળ્યો છે. બિહારમાં સરકાર બનાવવા માટે 122 બેઠકોની આવશ્યક્તા છે, જ્યારે NDAએ 125 બેઠકો પર જીત મેળવીને આ જાદૂઈ આંકડો પાર કરી લીધો છે.

બીજી તરફ NDAને કાંટાની ટક્કર આપનાર તેજસ્વી યાદવના નેતૃત્વ વાળુ મહાગઠબંધન બહુમતના આંકડાથી થોડું પાછલ રહી ગયું અને તેને 110 બેઠકો જીતીને જ સંતોષ માનવો પડ્યો.

(4:37 pm IST)