Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

દિવાળીઃ દુનિયામાં જીવો પરંતુ તેનાથી નિર્લેપ રહોઃ ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી

સેવાના ભાવ વગર કોઈપણ ઉજવણી અધુરી છે, આપણને ઈશ્વર તરફથી જે કંઈ મળ્યું છે તે આપણે અન્યો સાથે વહેંચવું જોઈએ : દીવાઓની શ્રૃંખલા તમને યાદ અપાવે છે કે જીવનમાં દરેક પરિમાણને તમારા લક્ષની અને જ્ઞાનરૂપી પ્રકાશની જરૂર હોય છે :દરેક મનુષ્યમાં કેટલાક સારા ગુણો હોય છે, તમે જે દીપ પ્રગટાવો છો તે આનું સુચક છે, કેટલાક લોકોમાં સંયમ હોય છે, કેટલાકમાં પ્રેમ, તાકાત, ઉદારતા, જયારે અન્યોમાં લોકોને એકત્રીત રાખવાની ક્ષમતા હોય છે :જીવનમાં ઘણીવાર તમે ફટાકડા જેવા બની જાવ છો, તમારા એકત્રિત થયેલ લાગણીઓ, હતાશા અને ગુસ્સાને લીધે વિસ્ફોટ થવા તૈયાર હોવ છો, જયારે તમે તમારી લાગણીઓ, રાગ અને દ્રેશને દબાવી રાખો છો ત્યારે વિસ્ફોટની હદે પહોંચે જ

 તેલના દીવાને પ્રજવલિત થવા માટે દિવેટે તેલમાં આંશિક રીતે બોળાયેલા રહેવું પડે છે.જો તે તેલમાં પૂરેપૂરી ડૂબેલી હોય તો તે અજવાળું ના પાથરી શકે. જીવન દીવાની દિવેટ જેવું છે,તમારે દુનિયામાં જીવવું જ પડે અને છતાં તેનાથી નિર્લેપ રહેવું પડે.જો તમે દુનિયાની ભૌતિકતામાં તણાઈ જાવ તો તમે તમારા જીવનમાં ખુશી અને જ્ઞાન લાવી શકતા નથી.દુનિયામાં રહીને પણ જો તેના દુન્યવી પાસામાં તણાઈ નથી જતા તો આપણે ખુશી અને જ્ઞાનનો દીપ બની શકીએ છીએ.

વર્ષના આ સમયગાળામાં દુનિયાભરમાં લોકો, દીપોનો ઉત્સવ, દિવાળી ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. દિવાળી પૂર્વના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તે અનિષ્ટની ઉપર કલ્યાણકારી, અંધકારની ઉપર પ્રકાશ અને અજ્ઞાનતાની ઉપર જ્ઞાનના વિજયની સૂચક છે.

 દિવાળી એ આપણા જીવનમાં જ્ઞાનના પ્રકાશની ઉજવણી છેપ્ત.એ દિવસે ઘરમાં દીવા માત્ર સુશોભન અર્થે નહીં પણ જીવનના આ નક્કર સત્યને વ્યકત કરવા માટે પ્રગટાવવામાં આવે છે.દરેકના હ્રદયમાં જ્ઞાન અને પ્રેમનો દીપ પ્રજવલિત કરો તથા દરેક ચહેરા પર ઝળહળતું સ્મિત આણો.

દિવાળીને દિપાવલી પણ કહેવામાં આવે છે,જેનો અર્થ થાય છે દીવાઓની હારમાળા.જીવનના ઘણાં પાસા અને તબક્કા હોય છે.જીવનની સંપૂર્ણ અભિવ્યકિત માટે અગત્યનું છે કે તમે તે દરેકને મહત્વ આપો.દીવાઓની શ્રૃંખલા તમને યાદ અપાવે છે કે જીવનના દરેક પરિમાણને તમારા લક્ષની અને જ્ઞાન રુપી પ્રકાશની જરૂર હોય છે.

દરેક વ્યકિતની સારી બાબતો પર ધ્યાન આપો

દરેક મનુષ્યમાં કેટલાક સારા ગુણો હોય છે.તમે જે દરેક દીપ પ્રગટાવો કરો છો તે આનું સૂચક છે.કેટલાક લોકોમાં સંયમ હોય છે; કેટલાકમાં પ્રેમ, તાકાત, ઉદારતા, જયારે અન્યોમાં લોકોને એકત્રિત રાખવાની ક્ષમતા હોય છે. તમારામાંના સુષુપ્ત ગુણો દીવા જેવા છે.એક જ દીવો પ્રગટાવીને સંતોષ ના માનશો; હજારો પ્રગટાવો!અજ્ઞાન રુપી અંધકારને નષ્ટ કરવા માટે તમારે ઘણા દીવા પ્રગટાવવા જોઈએ. પોતાનામાં જ્ઞાનનો દીપક પ્રગટાવીને તમે તમારા અસ્તિત્વના તમામ પરિમાણોને જાગૃત કરો છો.જયારે તે પ્રજવલિત અને જાગૃત થાય છે ત્યારે સાચા અર્થમાં દિવાળી આવે છે.

ફટાકડા અને લાગણીઓ

આ દિવસે જે ફટાકડા ફોડવામાં આવે છે તેમાં બીજું એક નક્કર પ્રતિક છુપાયેલું છે.જીવનમાં ઘણીવાર તમે ફટાકડા જેવા બની જાવ છો, તમારા એકત્રિત થયેલ લાગણીઓ, હતાશા અને ગુસ્સાને લીધે વિસ્ફોટ થવા તૈયાર હોવ છો.જયારે તમે તમારી લાગણીઓ,રાગ અને દ્વેષને દબાવે રાખો છો ત્યારે તેઓ વિસ્ફોટનની હદે પહોંચે જ.ફટાકડા ફોડવા એ એક એવો માનસશાસ્ત્રીય વ્યાયામ છે જે લોકોને એકત્રિત થયેલી લાગણીઓને મુકત કરવામાં સહાય કરે છે.જયારે તમે બહારની બાજુએ ધડાકો અનુભવો છો ત્યારે તમે આંતરિક રીતે પણ એવી સંવેદનાઓ અનુભવો છો.ધડાકાની સાથે પુષ્કળ પ્રકાશ પણ ફેલાય છે.જયારે તમે એ બધી લાગણીઓથી મુકત થાવ છો ત્યારે નિર્મળતાનો આવિર્ભાવ થાય છે.

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા

 દુનિયાભરમાં,યુરોપથી ઓસ્ટ્રેલિયા કે જાપાનથી દક્ષિણ અમેરિકામાં, દિવાળી કે નવું વર્ષ ઉજવવા માટે આપણી ઉજવણીની ભાવના ફટાકડા ફોડવા સાથે સંકળાયેલી છે.પરંતુ ઉજવણીની સાથે સંવેદનશીલતા પણ જરૂરી છે.ભારતમાં દર વર્ષે દિલ્હી, મુંબઈ અને મહાનગરોમાં હવામાં એટલા બધા વિષદ્રવ્યો ઉમેરાય છે કે લોકો શ્વાસ લઈ શકતા નથી.ઘણાને દવાખાનામાં પણ દાખલ કરવા પડે છે.એ દુર્ભાગ્યપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે ધ્વની અને વાયુના પ્રદુષણને નિયંત્રિત કરવા લોકોને અમુક વાગ્યા પછી ફટાકડાના ફોડવા કહેવું પડે છે. હવે આપણે એ શોધી કાઢવું જોઈએ કે જેથી આતશબાજી ઈલેકટ્રોનિકલી કે પર્યાવરણની જાળવણી કરીને કરી શકીએ.હવે જયારે આપણા ચુલા પણ વીજળી કે સૌર ઊર્જાથી સંચાલિત છે તો શું આપણે એવા પ્રકારના પ્રકાશજન્ય વિકલ્પો વિશે ના વિચારી શકીએ કે જેમાં ધુમાડો ઉત્પન્નના થતો હોય? તમારે તો ઉજવણી જ કરવી છે તો તમે પર્યાવરણને પ્રદૂષિત કર્યા વગર પણ ઉજવી શકો છો. આપણે વર્ષગાંઠ અને લગ્ન પ્રસંગે પણ ફટાકડા ફોડવાનું બંધ કરવું જોઈએ.

ઉપહાર પ્રતિકાત્મક છે

દિવાળી પર ભેટ-ઉપહારનું આદાનપ્રદાન તથા મીઠાઈ વહેંચવી એ પણ પ્રતિકાત્મક છે.તે ભૂતકાળની કડવાશ નષ્ટ કરવા અને આવનાર સમયમાં મિત્રતાના પુનઃસ્થાપનના સૂચક છે.

સેવા

સેવાના ભાવ વગર કોઈ પણ ઉજવણી અધૂરી છે.આપણને ઈશ્વર તરફથી જે કંઈ મળ્યું છે તે આપણે અન્યો સાથે વહેંચવું જોઈએ,કારણ કે આપણને જે મળ્યું છે તે આપીએ તો એ ખરી ઉજવણી છે.ખુશી અને જ્ઞાનનો પ્રસાર થવો જોઈએ અને જયારે લોકો જ્ઞાન દ્વારા એકબીજા સાથે સંકળાય છે ત્યારે તે શકય બને છે.

વર્તમાનમાં જીવો

દિવાળી એટલે વર્તમાનમાં રહેવું. માટે ભૂતકાળના ખેદ અને ભવિષ્યની ચિંતાઓ છોડો અને વર્તમાનમાં જીવો.આ સમય ગત વર્ષમાં થયેલા કંકાસ અને નકારાત્મકતાને ભૂલવાનો છે.આ સમય છે તમે પ્રાપ્ત કરેલા જ્ઞાનનું મહત્વ સમજવાનો અને નવી શરૂઆતને આવકારવાનો.જયારે સાચા જ્ઞાનનો આવિર્ભાવ થાય છે ત્યારે તે ઉજવણીને જન્મ આપે છે.

ઉજવણીએ ચેતનાનો સ્વભાવ છે. પૌરાણિક જ્ઞાની પુરૂષોએ દરેક ઉજવણીની સાથે પવિત્રતાને જોડી જેથી તમે પ્રવૃત્તિઓની દોડધામમાં વિકેન્દ્રીત ના થઈ જાવ.ધાર્મિક વિધિઓ અને પૂજાઓ  વ્યકિતની ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરે છે.આને લીધે ઉજવણીમાં એક ગહેરાઈ ઉમેરાય છે.એવી પ્રણાલી છે કે તમે પોતાની આગળ તમારી કમાયેલી બધી સંપત્તિ મુકો અને વૈભવનો અનુભવ કરો.જયારે તમને અભાવ લાગે છે ત્યારે અભાવમાં વધારો થાય છે.પરંતુ જયારે તમે વૈભવ તરફ ધ્યાન આપો છો ત્યારે વૈભવમાં વૃધ્ધિ થાય છે. અર્થશાસ્ત્રમાં ચાણકય કહે છે,''ધર્મસ્ય મૂલમ્ અર્થઃ'' એટલે સમૃધ્ધિ એ ધાર્મિકતાનું મૂળ છે.

જ્ઞાની માટે દરેક દિવસ દિવાળી છે. જેને આધ્યાત્મિક જ્ઞાન નથી તેને માટે દિવાળી વર્ષમાં એક વાર આવે છે.પરંતુ જ્ઞાનીઓ માટે દર ક્ષણ અને દરરોજ દિવાળી છે.દરેક જગ્યાએ જ્ઞાનની જરૂર હોય છે.કુટુંબનો એક સભ્ય પણ જો અજ્ઞાનના અંધકારમાં હોય તો આપણે ખુશ રહી શકતા નથી.તમારા કુટુંબના દરેક સભ્યોમાં આપણે જ્ઞાન રૂપી પ્રકાશ પ્રગટાવવાની જરૂર છે-આ ભાવનાને વિસ્તૃત કરીને સમાજના દરેક સભ્યોમાં અને પૃથ્વી પરની દરેક વ્યકિતમાં.જયારે સાચા જ્ઞાનનો આવિર્ભાવ થાય છે ત્યારે તે ઉજવણીને જન્મ આપે છે.

 યજુર્વેદ કહે છે, ''તન્મે મનઃ શીવસંકલ્પમ્ અસ્તુ'' -આપણા મનમાંથી ઉમદા સંકલ્પો વહેવા દો.જ્ઞાન સાથે આ દિવાળીની ઉજવણી કરો અને માનવજાતની સેવા કરવાનો સંકલ્પ લો.તમારા હૃદયમાં પ્રેમનો દીપ પ્રગટાવો; ઘરમાં સમૃધ્ધિનો દીપ; અન્યોની સેવા કરવા માટે કરૂણાનો દીપ; અજ્ઞાનના અંધકારને નષ્ટ કરવા જ્ઞાનનો દીપ અને ઈશ્વરે આપણને જે વૈભવ આપ્યો છે તે માટે કૃતજ્ઞતાનો દીપ.

(3:37 pm IST)