Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

૨૦ની નવી નોટ પણ સાવ ઓછા જથ્થામાં મોકલી

૧૦ની નવી નોટો મોકલવામાં RBIની કંજુસાઇઃ સૌરાષ્ટ્રની બેંકોને મોકલી જ નથી

૫૦-૧૦૦-૫૦૦ની નોટ અમુક બેંકમાં આવીઃ ૧૦-૨૦ની જબરી ડીમાન્ડઃ કાળાબજાર થતા હોવાની ચર્ચા

મુંબઇ, તા.૧૧: ભારતીય રીઝર્વ બેંકે સૌરાષ્ટ્રની એક પણ બેંકને ૧૦ની નવી નોટ નહિ મોકલતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે એટલુ જ નહિ ૨૦ની નવી નોટનો  જથ્થો પણ ઓછો મોકલ્યો હોવાનું જાણવા મળે છે. બેંકોને ૫૦-૧૦૦-૫૦૦ની નવી નોટોનો જથ્થો મોકલાયો છે તે પણ માંગના પ્રમાણમાં ઓછો મોકલાયો છે અને ૫૦ની નોટની ડીમાન્ડ હોવાને કારણે તેના 'ઓન' બોલાઇ રહ્યા હોવાનું જાણવા મળે છે.

દિવાળી ટાણે ચલણી નોટના નવા બંડલની ડિમાન્ડ રહેતી હોય છે. દાયકા- બે દાયકા પૂર્વે રૂપિયા પ અને ૧૦ના મૂલ્યની નોટની ડિમાન્ડ વધુ રહેતી હતી. હવે, રૂપિયા ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ના મૂલ્યની ચલણી નોટના નવા બંડલની ડિમાન્ડ રહે છે. દિવાળી ટાણે ડિમાન્ડ નીકળતા ચલણી નોટના બંડલના કાળાબજાર થાય છે. ચલણી નોટના બંડલના 'ઓન' બોલાય છે. ચાલુ વર્ષે પણ ચલણી નોટની ડિમાન્ડ નીકળતા પ્રતિ બંડલ રૂપિયા ૧૫૦થી લઇ રૂપિયા ૫૦૦ સુધીના 'ઓન' બોલાઈ રહ્યા છે.

વર્ષોથી ચાલી આવતી પ્રથા મુજબ, વડીલો દ્વારા દિવાળીની શુભેચ્છા રૂપે બાળકો, સ્વજનો તથા કર્મચારીઓને શુકન રૂપે ચોક્કસ રકમ આપવામાં આવે છે. આ રકમ આપતી વખતે તેમા નવી ચલણી નોટનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણાં સ્થળે તો કર્મચારીઓને કરવામાં આવતા દિવાળી પગાર કે બોનસમાં નવી નોટના બંડલ આપવામાં આવે છે. જે પ્રથાને લઈ દિવાળી ટાણે ચલણી નોટના નવા બંડલની ડિમાન્ડ નીકળે છે. આ વર્ષે બજારમાં ભલે મંદી અને નીરસતાનો માહોલ હોય પરંતુ, ચલણી નોટની ડિમાન્ડ યથાવત રહી છે. બેંકોમાથી પૂરતા પ્રમાણમાં નવી નોટ પ્રાપ્ત નહિ થતા લોકો દ્વારા બજારમાંથી ચલણી નોટના નવા બંડલ મેળવવામાં આવે છે. શહેરના વરાછા, ભાગળ, ભવાનીવડ, ચોકબજાર સહિતના વિસ્તારોમાં કેટલાક દુકાનદારો દ્વારા ચલણી નોટના નવા બંડલ ઓનથી વેચાણ કરવામાં આવી રહ્યા છે. એક તરફ લોકોને બેંકમાંથી ચલણી નોટ મળતી નથી, ત્યારે ખાનગી વેપારીઓ દ્વારા છૂટથી ચલણી નોટનો વેપલો કરી રહ્યા છે. વિગતો મુજબ, રૂપિયા ૧૦ના મૂલ્યની નોટના બંડલની ભારે ખેંચ છે. હાલમાં રૂપિયા ર૦, ૫૦ તથા ૧૦૦ના મૂલ્યની નોટના બંડલની માગ છે. જેને પગલે રૂપિયા ૨૦ની નોટના બંડલ પર રૂપિયા ૧૫૦, રૂપિયા ૫૦ની નોટના બંડલ પર રૂપિયા ૨૦૦, રૂપિયા ૧૦૦ની નોટના બંડલ પર રૂપિયા ૩૦૦, રૂપિયા ૨૦૦ની નોટના બંડલ પર રૂપિયા ૫૦૦ તથા રૂપિયા ૫૦૦ની નોટના બંડલ પર રૂપિયા ૩૦૦ ઓન વસૂલવામાં આવી રહ્યા છે.

બેંકોને રૂપિયા ૨૦ અને ૫૦ની નોટના ઓછા બંડલ મળ્યા

સામાન્ય લોકો માટે નવી ચલણી નોટના બંડલ મેળવવા માટે બેંક એકમાત્ર સ્થળ રહે છે. દિવાળીના અરસામાં બેંકો દ્વારા પણ આરબીઆઇ પાસે ચલણી નોટના નવા બંડલ આરબીઆઇ પાસે મેળવવામાં આવે છે. આરબીઆઇ દ્વારા પણ કરન્સી ચેસ્ટ ધરાવતી બેંકો મારફત નવા બંડલનો જથ્થો પહોંચાડાય છે. આ વર્ષે બેંકો પાસે પણ પુરતા પ્રમાણમાં બંડલ નહિ આવ્યાની ફરિયાદ છે. ખાસ કરીને સહકારી બેંકોને પુરતો જથ્થો મળ્યો નહિ હોવાની રાવ છે. જાણકારો મુજબ, કરન્સી ચેસ્ટ ધરાવતી નેશનલાઇઝડ અને ખાનગી બેંકોને નવી નોટના બંડલનો જથ્થો પુરો પાડવામાં આવ્યો છે. પરંતુ, તેમા રૂપિયા ૨૦, ૫૦ના મૂલ્યની નોટના બંડલનુ પ્રમાણ ઓછુ રહયુ છે. સહકારી બેંકો દ્વારા નવા બંડલ માટે આરબીઆઇમાં રજૂઆત પણ થઇ છે.

(12:39 pm IST)