Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

પ્લુરલ્સ પાર્ટીના ચીફ પુષ્પમ પ્રિયા ચૌધરી બિહારની ચૂંટણીમાં પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યા

બિહારને યુરોપ બનાવવાનું વચન આપનારાં લંડન રિટર્ન પુષ્પમ પ્રિયાનો ફિયાસ્કો થઈ ગયો

પટણા,તા.૧૧ : બિહાર ચૂંટણીમાં પોતાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરનારા પુષ્પમ પ્રિયા ચૌધરી સુપર ફ્લોપ સાબિત થયાં છે. પ્લુરલ્સ પાર્ટીની સ્થાપના કરી ચૂંટણી મેદાનમાં ઝંપલાવનારા પુષ્ટમ પ્રિયા ૨-૨ વિધાનસભા બેઠકો- બાંકીપુર અને બિસ્ફી પરથી મેદાનમાં હતાં. પરંતુ, બંને બેઠકો પર તે ટક્કર આપવાનું તો દૂર રહ્યું, પોતાની છાપ છોડવામાં પણ નિષ્ફળ રહ્યાં છે. લંડનમાંથી અભ્યાસ કરનારા પુષ્પમ પ્રિયા બિહારના રાજકારણને બદલવાની વાત કરી રહ્યાં હતાં. તેઓ ૨૦૨૩ સુધીમાં બિહારને યુરોપ બનાવવાનો દાવો કરી રહ્યાં હતાં.

પુષ્પમ પ્રિયા ચૌધરી બાંકીપુર વિધાનસભા બેઠક પર ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારને દૂર-દૂર સુધી કોઈ ટક્કર આપતા નથી દેખાઈ રહ્યાં. ચૂંટણી પંચની સત્ત્।ાવાર વેબસાઈટ પરના ડેટા મુજબ, સાંજે સવા ૪ વાગ્યાની આસપાસ પુષ્પમ પ્રિયા ચૌધરીને ૧૧૯૮ મત મળ્યા છે. અહીંથી ભાજપના ધારાસભ્ય નિતિન નબીન ૧૯૯૨૦ મત મેળવી કોંગ્રેસના લવ સિંહા કરતા આગળ છે. શોટગન અને બિહારી બાબુના નામથી જાણીતા કોંગ્રેસના નેતા શત્રુધ્ન સિંહાના પુત્ર લવ સિંહા આ બેઠક પરથી રાજકીય ડેબ્યૂ કરી રહ્યા છે. તેમને માત્ર ૭૭૮૪ મત મળ્યા છે.

પુષ્પમ પ્રિયા ચૌધરી બાંકીપુર ઉપરાતં મધુબની જિલ્લાની બિસ્ફી વિધાનસભા બેઠક પરથી પણ ચૂંટણી મેદાનમાં છે. અહીં તો તેમની હાલત વધુ ખરાબ છે. સાંજે સવા ૪ વાગ્યા સુધી તેમને માત્ર ૬૬૯ વોટ મળ્યા હતા. જયારે કે, નોટાને ૧૫૦૦થી વધુ વોટ મળી ચૂકયા છે. આ બેઠક પર ભાજપના હરિભૂષણ ઠાકુર બલોચ અને આરજેડીના ફૈયાઝ અહમદની વચ્ચે કસોકસની લડાઈ જોવા મળી રહી છે.

 ન્યૂઝ પેપરોમાં ફુલ પેજ જાહેરાત આપીને ચર્ચામાં આવ્યા હતા પુષ્પમ પ્રિયા ચૌધરી જેડીયુ નેતા વિનોદ ચૌધરીના દીકરી છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. મૂળ રીતે દરભંગાના રહેવાસી પુષ્પમ પ્રિયાએ આ વર્ષે ૮ માર્ચે મહિલા દિવસ પ્રસંગે બિહારમાંથી પબ્લીશ થતા બધા અગ્રણી હિંદી અને અંગ્રેજી ન્યૂઝ પેપરોમાં બે-બે ફુલ પેજની જાહેરાત આપીને પોતાને સીએમ પદના ઉમેદવાર જણાવ્યા હતા. ચૂંટણીમાં તેમણે ભણેલા-ગણેલા અને સ્વચ્છ છબિ ધરાવતી લોકોને મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ સોશિયલ મીડિયા પર ઘણા એકિટવ રહે છે. તેઓ ચૂંટણીમાં ગરબડનો આરોપ પણ લગાવી રહ્યા છે.

(11:32 am IST)