Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ત્રણ વર્ષ બાદ જીએસટી પોર્ટલની ક્ષમતા વધી : હવે ૩ લાખ કરદાતાનું લોગ ઇન

કરોડો રૂપિયાનો દંડ વસૂલાયા બાદ ક્ષમતા વધારવાનો નિર્ણય : પોર્ટલની ક્ષમતા વધારવા અનેક સંસ્થાઓએ રજૂઆત કરી હતી

મુંબઇ,તા.૧૧ :  જીએસટી લાગુ  કરાયાને ૪૦ મહિના બાદ પોર્ટલની ક્ષમતા વધારવામાં આવી છે. તેના કારણે હવે એકસાથે ૩ લાખ કરદાતા લોગ ઇન કરી શકશે. પોર્ટલની ક્ષમતા વધારવાને કારણે છેલ્લા દિવસોમાં કરદાતાઓ દ્વારા રિટર્ન ભરતી વખતે આંકડા ઝીરો થઇ જવાની સમસ્યામાંથી છુટકારો થવાની શકયતા રહેલી છે.

જુલાઇ ૨૦૧૭ના રોજ જીએસટીનો અમલ કરવામાં આવ્યો હતો. જીએસટી અમલમાં આવ્યા બાદ કરદાતાઓને સૌથી વધુ સમસ્યા રિટર્ન ભરવાના છેલ્લા દિવસોમાં સર્વર ધીમું થઇ જતું હતું. તેના કારણે કરદાતા સમયસર રિટર્ન ભરી શકતા નહોતા. જયારે રિટર્ન એક દિવસ મોડુ ભરવામાં આવે તો રોજના ૫૦ રૂપિયા લેખે દંડ વસૂલ કરવામાં આવતો હોય છે જેથી કરદાતાઓ પાસે દંડ પેટે અત્યાર સુધીમાં જીએસટી વિભાગે કરોડો રૂપિયાની વસૂલાત કરી દીધી છે. તેમ છતાં જીએસટી સર્વરની સમસ્યા દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવતી નહોતી. તેનાથી કંટાળીને સીએ, ટેકસ કન્સલ્ટન્ટ સહિતની અનેક વેપારી સંસ્થાઓએ પણ પોર્ટલની ક્ષમતા વધારવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆત વખતો વખત કર્યા - બાદ હવે  બાદ હવે જીએસટી વિભાગે પોર્ટલની ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. જેથી પહેલા એકસાથે ૧,૫૦ લાખ કરદાતાઓ લોગ ઇન કરી શકતા હતા જયારે હવેથી ત્રણ લાખ કરદાતા એકસાથે લોગ ઇન કરી શકે તેવી સુવિધાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ સુવિધા શરૂ થવાની સાથે જ વેપારીઓની છેલ્લા ૪૦ મહિનાઓથી પડતી પરેશાની દૂર થવાની શકયતા રહેલી છે.

ત્રણ વર્ષ બાદ સમસ્યાનો ઉકેલ આવ્યો

જીએસટી સર્વર પર હવે એકસાથે ત્રણ લાખ કરદાતા લોગ ઇન કરી શકે તેવી સુવિધાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેના કારણે છેલ્લા દિવસોમાં જે પણ કરદાતાઓને રિટર્ન ભરવામાં સમસ્યા રહેતી હતી તે સમસ્યા દૂર થવાની પણ શકયતા રહેલી છે. તેમજ છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી આવતી માંગણીનો હવે અંત આવ્યો છે.

નારાયણ શર્મા (ટેકસ કન્સલ્ટન્ટ)

(11:28 am IST)