Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

'મોદી મેજિક' એ તેજસ્વીનું સપનું રોળી નાખ્યું: NDAની જીતના ૫ કારણો

NDAને ૧૨૫ બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છેઃ જયારે મહાગઠબંધનને ૧૧૦ બેઠકો મળીઃ એનડીએની જીતના સૌથી મોટા નાયક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી બન્યા

પટણા, તા.૧૧: બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAના ૧૨૫ બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જયારે મહાગઠબંધનને ૧૧૦ બેઠકો મળી. એનડીએની જીતના સૌથી મોટા નાયક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી બન્યા અને મોદી મેજિકે તેજસ્વી યાદવનું મુખ્યમંત્રી બનવાનું સપનું રોળી નાખ્યું. ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી મુજબ બિહારમાં સત્તાાધારી એનડીએમાં સાનમેલ ભાજપને ૭૪ બેઠકો, જેડીયુને ૪૩ બેઠકો, વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ને ૪  બેઠકો અને હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM)ને ૪ બેઠકો મળી છે. જયારે વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJD)એ ૭૫ બેઠકો પર જીત મેળવી છે. જયારે કોંગ્રેસે ૧૯ બેઠકો પર, ભાકપા માલેએ ૧૨ બેઠકો પર, ભાકપા અને માકપા બંનેએ ૨-૨ બેઠકો પર જીત મેળવી છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરીથી મોદી મેજિકે કામ કર્યુ. ૧૫ વર્ષથી સતત બિહારમાં નીતિશકુમારની સરકાર છે, આવામાં જનતાને સરકાર પાસેથી જે થોડી ઘણી નારાજગી હતી તેને પણ બ્રાન્ડ મોદીએ ખતમ કરી દીધી.

NDA ની જીતના ૫ મહત્વના કારણો

૧. જયારે લોકો તેજસ્વી યાદવની રેલીઓ જોઈને ચૂંટણીમાં જીત-હારનો અંદાજો લગાવી રહ્યા હતા ત્યારે નરેન્દ્રભાઇ મોદીએ બિહારમાં ૧૨ રેલીઓ કરીને ભરોસો વ્યકત કર્યો કે જીત સુશાસનના અનુભવની થશે.

૨. નરેન્દ્રભાઇ મોદીએ તેજસ્વીને જંગલરાજના યુવરાજ ગણાવતા બિહારને લાલુ યાદવના ૧૫ વર્ષના જંગલરાજની યાદ પણ અપાવી અને પરિવારવાદની ટક્કરમાં વિકાસવાદ ઊભો કર્યો.

૩. પીએમ નરેન્દ્રભાઇ મોદીએ બિહારને વિકાસવાદના મુદ્દા સાથે જોડ્યો. ડબલ યુવરાજની સરખામણીએ ડબલ એન્જિનનો નારો આપ્યો અને ભ્રષ્ટાચાર મુકત સુશાસન પર ભરોસો વધાર્યો.

૪. બિહારમાં નીતિશ સરકાર વિરોધી લહેરને નરેન્દ્ર મોદીએ બેઅસર કરી નાખી અને રોજગારીના ભરોસા સાથે બિહારને જણાવ્યું કે વિપક્ષને ભારતમાતા કી જય અને જય શ્રીરામના નારાથી કેમ ડર લાગે છે?

૫. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિપક્ષના દરેક સવાલનો જવાબ આપ્યો અને કેન્દ્રની યોજનાઓ દ્વારા મળેલા લાભના કારણે પણ એનડીએના પક્ષમાં  ભારે મતદાન થયું.

બિહાર ચૂંટણીએ ફરીથી એકવાર સાબિત કરી દીધુ કે ભારતમાં ભરોસાની રાજનીતિના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર નરેન્દ્રભાઇ મોદી છે. બિહારમાં ચૂંટણી રેલીઓમાં મોદીએ જે કહ્યું તેના પર લોકોએ  તેમને મત આપ્યા. ભાજપ ભલે નીતિશના નેતૃત્વમાં ચૂંટણી લડ્યો પરંતુ સમગ્ર ચૂંટણીનું નેતૃત્વ પીએમ મોદી જ કરતા હતા. બિહાર ચૂંટણીમાં ભાજપની જીત કોરોના સમયે મોદી સરકારે કરેલી કામગીરી પર મહોર છે. ચીનના ઘમંડની ગરદન તોડ્યા બાદ પહેલો જનમત છે અને આત્મનિર્ભર ભારતના અભિયાન પર વિજય દસ્તક છે.

(10:15 am IST)