Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

મુંબઈનો પંજો : પાંચમી વખત બન્યુ IPL કિંગ

દિલ્હી ૧૫૬/૭ : મુંબઈ ૧૫૭/૫ : બંને ટીમના સુકાનીઓની કેપ્ટન ઈનિંગ : બોલ્ટે શરૂઆતની ઓવરોમાં જ દિલ્હીની કમ્મર તોડી નાંખી'તી : મુંબઈની બોલીંગ બાદ બેટીંગમાં પણ શાનદાર પ્રદર્શન

દુબઈ : આઈપીએલની ૧૩મી સીઝનની ગઈકાલે દુબઈમાં રમાયેલા ફાઈનલ જંગમાં ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ૬ વિકેટે દિલ્હી કેપીટલ્સને પરાસ્ત કરીને રેકોર્ડ પાંચમી વાર આઈપીએલ ટ્રોફી જીતી લીધી હતી. આ સાથે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વખત ચેમ્પિયન બનવાનો મુંબઈએ પોતાનો રેકોર્ડ વધુ મજબૂત કરી લીધો છે. બીજા નંબર પર રહેલુ ચેન્નઇ ત્રણ વાર ચેમ્પિયન બન્યુ છે.

દિલ્હીએ આપેલા ૧૫૭ રનના ટાર્ગેટને મુંબઈએ ૧૮.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

પહેલી વાર ટ્રોફી જાળવી શકયા

આ પહેલા ચાર - ચાર ટ્રોફી જીતનાર મુંબઈને જો કે એક વાતનું દુઃખ રહ્યું કે તેઓ કયારેય ચેમ્પિયનશીપ જાળવી નહોતા શકયા એટલે કયારેય સતત બીજા વર્ષે વિજેતા નહોતા બની શકયા. મુંબઈ ઈન્ડિયન્સ ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૯ આમ એક વર્ષ છોડીને ચેમ્પિયન બન્યુ હતું. પણ ગઈકાલે એ કલંક પણ દૂર થઈ ગયુ અને ૨૦૧૯ બાદ સતત બીજા વર્ષે ચેમ્પિયન બન્યુ છે.

પહેલી વાર ફાઈનલ રમી રહેલા દિલ્હી કેપીટલ્સને પાંચ વિકેટે હરાવીને પલટન વટથી પાંચમી વાર ચેમ્પિયન બની. કેપ્ટન રોહિત શર્માએ તેની ૨૦૦મી લેન્ડમાર્ક મેચને યાદગાર બનાવી શાનદાર હાફ સેન્ચુરી ફટકારીને અને કેપ્ટન તરીકે પાંચમી ટ્રોફી જીતીને ઉજવણી કરી હતી. ત્રણ વિકેટ સાથે દિલ્હીની કમર તોડી નાખનાર ટ્રેન્ટ બોલ્ટ મેન ઓફ ધ મેચ બન્યો હતો. મુંબઇ ઈન્ડિયન્સે ચેમ્પિયન ટ્રોફી જીતવા ઉપરાંત ફેરપ્લે એવોર્ડ પણ જીતી લીધો હતો. દિલ્હીને પહેલી અને છેલ્લી પાંચ ઓવરમાં નબળી બેટીંગ કરવાનું તથા કેપ્ટન શ્રેયસ ઐય્યરને સ્ટાર બોલર કેગીસો રબાડા અને એનરીક નોર્કીયાની ઓવર્સ બચાવી રાખવાનું ભારે પડ્યુ હતું.

(11:27 am IST)