Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કોલ્ડ ચેઈન, બેકવર્ડ-ફોરવર્ડ લિંકેજ યોજનાને લીલીઝંડી

દિવાળી પહેલાં યુવાનો-ખેડૂતો માટે સારા સમાચાર : લાખો ખેડૂતોને લાભ, ૧૫ હજાર લોકોને રોજગારી મળશે

નવી દિલ્હી, તા. ૧૦ : દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે દેશના યુવાનો અને ખેડૂતો માટે મોટી ખુશખબર આપી છે. ખેડૂતોની આવક વધારવા અને રોજગાર ઉત્પન્ન કરવા માટે કોલ્ડ ચેઈન યોજના અને બેકવર્ડ તેમજ ફોરવર્ડ લિંકેજ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. તેનાથી લાખો ખેડૂતોને ફાયદો થશે. સાથે જ ૧૫ હજાર લોકોને રોજગારી પણ મળશે. આ યોજનાઓ પાછળ ૪૪૩ કરોડ રૂપિયાના રોકાણનો પ્લાન છે. કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ જાણકારી આપવામાં આવી છે.

મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે, કોલ્ડ ચેઈન યોજના હેઠળ ૨૧ પ્રોજેક્ટ્સ ૪૪૩ કરોડ રૂપિયાનો ખર્ચ અને ૧૮૯ કરોડ રૂપિયાની ગ્રાન્ટવાળી યોજનાઓને મંજૂરી આપી દેવામાં આવી છે. આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ, જમ્મુ અને કાશ્મીર, કેરળ, નાગાલેન્ડ, પંજાબ, તેલંગાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોનાં ખેડૂતો, ઉપભોક્તાઓ અને યુવાઓ માટે યોજના ખુબ જ ફાયદાકારક હશે.

આ યોજનાનો ઉદ્દેશ ખેતરથી લઈ ઉપભોક્તા સુધી વગર કોઈ અડચણે ઇન્ટિગ્રેટેડ કોલ્ડ ચેઇન અને પ્રિઝર્વેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું છે. ટ્વીટ કરીને ફૂડ પ્રોસેસિંસ મંત્રાલયે આ જાણકારી આપી હતી. જેમાં જણાવાયું છે કે, આ યોજનાથી ૧૨૬૦૦ લોકોને રોજગાર મળશે અને ૨ લાખ ખેડૂતોને લાભ થશે.

આ ઉપરાંત સરકારે બેકવર્ડ એન્ડ ફોરવર્ડ લિંકેજ યોજના હેઠળ ૬૨ કરોડ રૂપિયાના ખર્ચ તેમજ ૧૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટવાળા ૮ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. આ યોજનાનો ઉદ્દેશ કાચો માલ ઉપલબ્ધ કરાવવાનો છે. આ મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને તામિલનાડુનની છે. તેની મંજૂરીથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનવાથી રાજ્યોના ખેડૂતોને લાભ મળશે.

(12:00 am IST)