Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

દેશમાં RTI એક્ટનો ઉપયોગ ઘટ્યો : પાલન કરાવવામાં વિશ્વમાં ભારતનું સ્થાન બીજાક્રમેથી ઘટી સાતમા નંબરે

અમલ કરવામાં ગુજરાત પાંચમાં ક્રમે: ઉત્તરપ્રદેશે એક પણ વખત RTIનો રિપોર્ટ રજૂ નથી કર્યો: બિહારમાં નથી વેબસાઇટ

 

નવી દિલ્હી : દેશમાં RTIનો કાયદો 12 ઓક્ટોબર 2005ના રોજ અમલમાં આવ્યો હતો. આથી દર વર્ષે દિવસે RTI દિવસની ઉજવણી કરાઈ છે ત્યારે RTI એક્ટનો ઉપયોગ ઘટ્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 14 વર્ષમાં માત્ર 2.5 ટકા લોકોએ RTIના કાયદાનો ઉપયોગ કર્યો છે.

રાજ્યો મુજબ જોઈએ તો 2017-18 દરમિયાન ફક્ત નવ રાજ્યો વાર્ષિક રિપોર્ટ રજૂ કરવામાં સક્ષમ હતા. ઉત્તરપ્રદેશે 14 વર્ષમાં એક પણ વખત RTIનો રિપોર્ટ રજૂ કર્યો નથી. જ્યારે બિહાર સૂચના આયોગની વેબસાઈટ હજુ સુધી બનાવવામાં આવી નથી. ફક્ત કેન્દ્રીય માહિતી આયોગ અને કેટલાક રાજ્યો દર વર્ષે નિયમિતપણે વાર્ષિક રિપોર્ટ રજૂ કરે છે.

  કાયદો કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકારો, સ્થાનિક શહેરી સંસ્થાઓ અને પંચાયતી-રાજ સંસ્થાઓને લાગુ છે. 14 વર્ષમાં સૂચના આયોગ સમક્ષ 3 કરોડ 2 લાખ RTI અરજીઓ કરવામાં આવી છે. જેમાંથી 21 લાખ 32 હજાર અરજદારોએ બીજી વખત અપીલ અને ફરિયાદો કરી છે

RTI કાયદાનું પાલન કરાવવામાં વિશ્વમાં ભારતનું સ્થાન હવે બીજા નંબરેથી ઘટીને સાતમા નંબરે આવી ગયું છે. એકથી 6 નંબર પર રહેલા દેશોમાં મોટાભાગના દેશોએ ભારત પછી RTI એક્ટ લાગૂ કર્યો છે. ભારતમાં ભ્રષ્ટાચારને દૂર કરવા માટે હથિયાર તરીકે RTIના કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ દેશની 50 ટકાથી વધુ RTI અરજીઓ ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. આમાં પણ રાજ્ય સરકારોની સરખામણીએ કેન્દ્ર સરકારના વિભાગો પાસેથી માંગવામાં આવેલી માહિતીની સંખ્યા વધુ છે

 RTI એક્ટનો અમલ કરવામાં પ્રથમ પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. તમિલનાડુ બીજા ક્રમે અને કર્ણાટક ત્રીજા ક્રમે છે. જ્યારે કેરળ અને ગુજરાત ચોથા અને પાંચમા ક્રમે છે.

RTI એક્ટનો સૌથી ઓછો ઉપયોગ કરનારા રાજ્યોમાં મણિપુર, સિક્કિમ, મિઝોરમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ છે. RTI એક્ટનો યોગ્ય ઉપયોગ થવા પાછળ સૂચના આયોગમાં પડેલી ખાલી જગ્યાઓ પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

(11:22 pm IST)