Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

પ્રતિબંધિત હથિયાર સાથે કોઇ પકડાશે તો આજીવન કેદ થશેઃ આર્મ્સ એકટમાં થશે ફેરફાર

લગ્ન પ્રસંગે હવામાં થતું સેલીબ્રીટી ફાયરિંગ પણ અપરાધની શ્રેણીમાં

નવી દિલ્હી, તા.૧૧: પ્રતિબંધિત હથિયારોના ખરીદ વેચાણના ગેરકાયદે ચાલતા ધંધા બંધ કરાવવા માટે સરકારે તૈયારી કરી લીધી છે. આના માટે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે લગભગ છ દાયકા જુના આર્મ્સ એકટ ૧૯૫૯માં સુધારાનો પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. તે અમલી બનશે પછી પ્રતિબંધીત હથિયાર સાથે પકડાઇ જનારન ગુનો સાબિત થશે તો પોતાનું આખું જીવન જેલમાં ગાળવાનો વારો આવશે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની યોજના પ્રતિબંધિત અથવા ગેરકાયદે હથિયાર સાથે પકડાઇ જવા પર આર્મ્સ એકટ હેઠળ મળતી સજા બમણી કરવાની છે.

સુધારેલા આર્મ્સ એકટના ક્રાસ્ટમાં હથિયારોની ગેરકાયદે સપ્લાય, હથિયારો અને તેના સાધનોના ઉત્પાદકોથી ઉપયોગકર્તા સુધીનાનું ટ્રેકીંગ, સંગઠીત અપરાધ, સીંડીકેટ અને લગ્નમાં થતા સેલીબ્રીટી ફાયરીંગને ગુનાની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે અને તેના માટે સજાની જોગવાઇ કરવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું કે સંશોધિત વિધેયક પર યુપી, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ અને મણિપુરના ગૃહ સચિવો અને પોલીસ મહા નિર્દેશકોની રાય લેવાઇ ચૂકી છે. તેમણે કહ્યું કે સરકાર આ ખરડો આગામી શિયાળુ સત્રમાં સંસદમાં રજૂ કરશે. જો કે કેટલીક જોગવાઇ પર વધુ ચર્ચાની માંગણીને જોતા તેને આગામી બજેટ સત્ર સુધી ટાળી શકાય છે. આર્મ્સ (સંશોધન) ખરડાના ડ્રાફટમાં કરાયેલ જોગવાઇઓ મુજબ કોઇ પણ વ્યકિત હવે વધુમાં વધુ બે લાયસન્સ વાળી બંદુક રાખી શકશે. જો કોઇ પાસે ત્રણ લાયસન્સ વાળા હથિયાર હશે તો કાયદો સંસદમાં પસાર થયા પછીના ૯૦ દિવસમાં તેણે એક હથિયાર સરકાર પાસે અથવા શસ્ત્ર વિક્રેતા પાસે જમા કરાવવું પડશે. જો કે તેમાં છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય નીશાનેબાજી ટુર્નામેન્ટમાં ભાગ લઇ ચુકેલ ખેલાડીઓને ૨૨ કેલીબરની રાઇફલ ત્રીજા હથિયાર તરીકે રાખવાની છૂટ અપાશે.

(1:12 pm IST)