Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ઓશો જેવા વકતા સંસારમાં દુર્લભ છે

ઓશો ભારતના ધર્માચાર્યોમાં તદ્દન અલગ પ્રકારના એક ગંભીર વિચારક અને બૌદ્ધિક રીતે જીવન અધ્યાત્મનું ચિંતન કરનારા છે. તેઓ એકદમ ક્રાંતિકારી પણ છે. તેમણે ઘણી બધી રૂઢીઓને તોડી છે ત્યાં સુધી કે જે તેમનો મુળ ધર્મ છે તેની વિકૃતિઓ અને કમીઓને તેમણે રેખાંકિત કરી છે.

તેમનું જ્ઞાન બહુ વ્યાપક હતું. તેઓ ભારતની તમામ ધાર્મિક પરંપરાઓ અને ધર્મગ્રંથોના આચાર્ય જ નહોતા પણ વિશ્વધર્મ અને વિશ્વચિંતન તેમની અંદર બિલકુલ અલગ અને ક્રાંતિકારીરૂપે અવતરીત થયુ હતું. ઓશો જેવા મહાપુરૂષ સદીઓ પછી કોઈ દેશમાં જન્મ લેતા હોય છે. પોતાના વિચારો અને ચિંતનના કારણે ઓશોએ ઘણી મુશ્કેલીઓ વેઠી છે. ઘણી વાર તેઓ નિરાશ્રીત થયા છે, ઘણા મરણતોલ આઘાતો તેમણે સહન કર્યા છે. બધા પ્રકારની આપત્તિઓ અને આક્રમણો તેમના ઉપર થયા છે. બૌદ્ધિક અને આધ્યાત્મિક વ્યકિતનું આ લક્ષણ છે.

ઓશો જેવા વકતા આ સંસારમાં દુર્લભ છે. એ એક અજબ વાત છે કે તેમના રોજના લાંબા પ્રવચનોમાં કયાંય પણ પુનરોકિત નહોતી. એવુ લાગે છે કે સર્જન અને ચિંતનનો સ્ત્રોત તેમનામાં અબાધિત, અવિચળ અને અખૂટ હતો. ઓશો જેવા મહાપુરૂષની આજના સમયમાં બહુ આવશ્યકતા છે. ઓશો જેવા બૌદ્ધિક અને વૈચારિક અગ્નિ પ્રજ્વલિત કરનારા મહાપુરૂષની આજે ખૂબ જરૂર છે.

ડો.પ્રભાકર ક્ષત્રિય (સાહિત્યકાર)

(11:39 am IST)