Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

હાર્દિક પટેલે કરી રાહુલ ગાંધીની નકલ:કુર્તાની બાયો ખેંચવાની સ્ટાઈલની ઉડાવી મજાક :કોંગ્રેસે કહ્યું કે શિખામણની જરૂર નથી

આવું તો ડિઝાઇનર જ કહી શકે કે, કુર્તો કેવો હોવો જોઈએ, કૉલર કેવો હોવો જોઈએ.

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની કુર્તાની બાયો ખેંચવાની સ્ટાઇલ કરીને મજાક ઉડાવી હતી  હાર્દિક પટેલે રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમની મજાક ઉડાવી છે.

   પાસના  નેતા હાર્દિક પટેલે રાહુલ ગાંધીના પહેરવેશ અને ભાષણ દરમિયાન તેમની બૉડી લેંગ્વેજ પર કટાક્ષ કર્યા હતા તેણે રાહુલ ગાંધીને વ્યવસ્થિત કપડાં પહેરવાની સલાહ આપી દીધી.

  હાર્દિક પટેલ કાર્યક્રમમાં પોતાના ભાષણમાં એવું કહી રહ્યો હતો કે, ‘ભારત મારા એકલાનું નથી, પણ તેમ છતાં મારે કહેવું પડે છે, મારું ભારત મહાન. જો ભારત દેશને મહાન રાખવો હોય, જો ભારત દેશને વધુ મજબૂત બનાવવો હોય તો આ દેશની અંદર રહેતા સારા લોકોએ આગળ આવવાની જરૂર છે.

  હાર્દિકે કાર્યક્રમમાં કહ્યું કે, ‘તમે જિન્સ પહેરીને આવો છો, ઘણી વાર અમે વિચારીએ છીએ કે રાજીવ ગાંધી જ્યારે પહેલી વાર વડાપ્રધાન બની રાજસ્થાન પહોંચ્યા હતા તો તેઓ જોધપુરી સૂટ પહેરીને ગયા હતા અને ત્યારે છેક દેશે તેમનો એ વખતે સ્વીકાર કર્યો હતો. સમય બદલાઈ રહ્યો છે, જો તમે ખાદી છોડશો અને આવું કરશો તો દેશ તમને પણ સ્વીકારશે. તમારા કુર્તાની બાંયો ઊતરતી જતી હોય તો ત્યાં કંઈક લગાવી દો. આ રીતે (રાહુલ ગાંધીની નકલ કરતાં કરતાં) દેશ નહિ ચાલે.’

   હાર્દિક પટેલ રાહુલ ગાંધીની જેમ બાંયો ઉપર ખેંચીને નકલ કરતાં કરતાં નિશાન સાધી રહ્યો હતો. હાર્દિક દ્વારા આ પ્રકારની મજાક ઉડાવવામાં આવ્યા બાદ કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે. એક કોંગ્રેસના નેતાએ મીડિયાને કહ્યું છે કે, ‘મને નહોતી ખબર કે હાર્દિક પટેલ આજકાલ ડિઝાઇનરનું પણ કામ કરે છે. મને એમ હતું કે હાર્દિક પટેલ ખેડૂતોનો નેતા છે, યુવાન છે, તેનામાં ઊર્જા છે, આગળ વધવાની લલક છે. આવું તો ડિઝાઇનર જ કહી શકે કે, કુર્તો કેવો હોવો જોઈએ, કૉલર કેવો હોવો જોઈએ. રાહુલ ગાંધીને શીખ આપવાની જરૂર નથી.’

(11:45 pm IST)