Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મહાગઠબંધનમાં જોડાવવાની ઓફર કુશવાહે અંતે ફગાવી

૨૦૧૯ની ચૂંટણીમાં મોદીને સાથ આપશે : કુશવાહ : આરજેડી પાસે જનાધાર નહીં હોવાનો કુશવાહે દાવો કર્યો એનડીએમાં કોઇ ખેંચતાણ હોવા કુશવાહનો સાફ ઇન્કાર

પટણા,તા. ૧૧ : ઉપેન્દ્ર કુશવાહે તેજસ્વી યાદવ તરફથી મહાગઠબંધનમાં સામેલ થવાની સીધીરીતે કરવામાં આવેલી ઓફરને ફગાવી દીધી છે. રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના નેતા અને કેન્દ્રીય રાજ્યમંત્રી ઉપેન્દ્ર કુશવાહે કહ્યું છે કે, આરજેડીએ પોતાનો જનાધાર ગુમાવી દીધો છે જેના પરિણામ સ્વરુપે આ પ્રકારના નિવેદન કરવામાં આવી રહ્યા છે. કુશવાહે કહ્યું છે કે, દેશના હિતમાં મોદી વડાપ્રધાન પદે રહે તે જરૂરી છે. આવી સ્થિતિમાં તેઓ મોદીનો સાથ આપશે. ઉપેન્દ્ર કુશવાહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બિહારમાં રાજનીતિ બદલાઈ રહી છે. નવા સમીકરણો રચાઈ રહ્યા છે. રવિવારના દિવસે તેજસ્વીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ઉપેન્દ્ર કુશવાહને મહાગઠબંધનમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. એનડીએમાં બેઠકોની વહેંચણીને લઇને નીતિશકુમારને વધુ મહત્વ અપાતા ઉપેન્દ્ર કુશવાહ નાખુશ દેખાયા હતા. પરિસ્થિતિનો લાભ લેવા ઉપેન્દ્ર કુશવાહનો સંપર્ક કર્યો હતો. તેજસ્વીએ એનડીએમાં ગાબડા પાડવાના હેતુસર કુશવાહને આમંત્રણ આપ્યું હતું. તેજસ્વીએ કહ્યું છે કે, ભાજપ દ્વારા ઉપેન્દ્ર કુશવાહનું સન્માન કરવામાં આવી રહ્યું નથી. તેમણે એમ પણ કહ્યું  છે કે, ઉપેન્દ્ર કુશવાહને  ચાર વર્ષમાં એનડીએમાં પુરતું સન્માન મળ્યું હતું જેથી અમે મહાગઠબંધનમાં સામેલ થવા ઓફર કરી રહ્યા હતા. તેજસ્વીની આ રાજનીતિ ચાલ ઉપર ઉપેન્દ્ર કુશવાહે જવાબ આપીને તેમની યોજના પર પાણી ફેરવી દીધું છે. કુશવાહે કહ્યું છે કે, આરજેડી પાસે કોઇ જનસમર્થન નથી. જનસમર્થનના હેતુસર તેમના લોકો આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે પરંતુ તેમના માટે આવા નિવેદનબાજીનો કોઇ મતલબ નથી. બિહારમાં એનડીએ ખુબ જ મજબૂત સ્થિતિમાં છે અને તેમાં કોઇપણ પ્રકારના ગાબડા પડ્યા નથી. કુશવાહે કહ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસથી એવા રાજકીય ઘટનાક્રમ ચાલી રહ્યા હતા જેના લીધે એનડીએની એકતાને લઇને ચર્ચા છેડાઈ હતી. પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા. ગયા સપ્તાહમાં શુક્રવારે બિહારમાં એનડીએના ઘટક પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હાજીર આપવા માટે કુશવાહ પહોંચ્યા ન હતા. જો કે, કુશવાહે મોડેથી અંગત કારણો રજૂ કર્યા હતા. હવે કોઇપણ પ્રકારની ખેંચતાણ દેખાઈ રહી નથી. બિહારમાં નીતિશકુમારને એનડીએના ચહેરા તરીકે રજૂ કરવામાં આવશે. બિહારમાં વધુ સીટો એનડીએના ભાગરુપે નીતિશકુમાર મેળવે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે.

(7:33 pm IST)