Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

દેશનું સૌથી સસ્તુ હોલસેલ કાપડ માર્કેટ : રૂ. ૩૦માં ટીશર્ટ અને ૧૪૦માં જીન્સ!

માનવામાં નહી આવે તેટલા ભાવ : ૧૪૦ રૂપિયામાં ૩ શર્ટ

નવી દિલ્હી તા. ૧૧ : આજે અમે તમને એવી જગ્યા વિશે કહેવા માગીએ છીએ જયાં તમે બાળકોથી માંડીને મોટેરા સુધીના તમામના કપડા ખૂબ જ સસ્તામાં ખરીદી શકશો. આ એવુ હોલસેલ માર્કેટ છે જયાંથી તમે તમારા માટેની પણ શોપિંગ કરી શકો છો અને તે પણ એટલા સસ્તામાં કે તમને નવાઈ જ લાગશે. અહીં તમને ટી શર્ટ રૂ. ૩૦માં અને શર્ટ રૂ. ૧૦૦ની અંદર મળી જશે. જયારે જીન્સ ફકત રૂ.૧૫૦માં મળી જશે. હા જોકે તમારે ગમે તે વસ્તુ ૩થી ૧૨ના સેટમાં ખરીદવી પડે છે.

આ માર્કેટ એટલે દિલ્હીનું ગાંધીનગર હોલસેલ માર્કેટ જે સલીમપુર મેટ્રો સ્ટેશન નજીક આવેલ છે. આ માર્કેટના પ્રેસિડેન્ટ કંવલ બાલીએ કહ્યું કે, 'આ માર્કેટમાં મધ્યમ વર્ગના લોકને ધ્યાને રાખીને કપડા બનાવવામાં આવે છે. દરેક લોકો બ્રાન્ડેડ કપડા ન ખરીદી શકે માટે ઘણા બધા લોકો અહીં આવે છે અને પોતાની જરુરીયાત મુજબ કપડા ખરીદે છે. આ માર્કેટમાં કપડા અહીં બનાવવામાં પણ આવે છે તેમજ બીજી જગ્યાએ બનાવેલા કપડા અહીં વેચવામાં પણ આવે છે.'

આ માર્કેટમાં તમે ત્રણ શર્ટ ૧૪૦ રુપિયામાં લઈ શકો છો. એટલે કે એક શર્ટ તમને ફકત ૪૬ રુપિયામા પડ્યો કહેવાય. સામાન્ય રીતે અહીં નાના બાળકોથી લઈને યવાનો માટે કપડા વધુ મળે છે. જોકે મોટા વ્યકિત માટે પણ સ્મોલ, મીડિયમ અને XL સાઇઝના કપડા મળી જશે જેની પ્રાઇઝ થોડી વધુ હોઈ શકે છે.

આ માર્કેટમાં જીન્સ પણ તમને ૧૪૦માં મળી જશે. જોકે તે પણ તમારે ૩-૪ લેવા જરૂરી છે. જયારે સૌથી મોંઘુ જીન્સ તમને ૩૫૦ રૂપિયાનું મળશે. તેમજ વેસ્ટમાં પણ ૨૨થી લઈને ૪૦ સુધીની વેસ્ટના જીન્સ મળી જશે. તો બીજો એક માઇનસ પોઇન્ટ એ છે કે તમે અલગ અલગ કલરના જીન્સ નથી ખરીદી શકતા એટલે કે એક સેટમાં તમને એક જ જેવા ૩-૪ જીન્સ મળશે.

આ માર્કેટમાં આટલી ઓછી પ્રાઇઝ હોવા છતા લગભગ તમામ લોકો ખૂબ જ ભાવતાલ કરાવે છે. માટે તમે જયારે પણ અહીં જાવ તો ભાવતાલ કરવાનું ભૂલતા નહીં કેમ કે વેપારીએ પહેલાથી જ એ પ્રકારેના ભાવ તમને કહ્યા હશે કે જો તમે ભાવતાલ નહીં કરાવો તો જરુર છેતરાઈ જશો. મહત્વનું છે કે આટલું સસ્તુ હોવા છતા અહીં કોઈપણ સેકન્ડ હેન્ડ એટલે કે યુઝડ ગારમેન્ટ્સ નથી મળતા. અહીં બધા જ ફ્રેશ આઇટમ્સ મળે છે.(૨૧.૩૦)

(3:37 pm IST)