Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સંઘના કાર્યક્રમો સામે કોંગ્રેસ પોતાના 'સેવાદળ'ને રાષ્ટ્રભરમાં સક્રિય કરશે

સેવાદળ મહાત્મા ગાંધી અને નેહરૂના સિધ્ધાંતોની સાથે બિનસાંપ્રદાયિકતા મુદ્દે ચર્ચા કરશે

નવી દિલ્હી તા. ૧૧ : કોંગ્રેસ સેવાદળ દેશના ૧૦૦૦ શહેરોમાં દર મહિના આખરી રવિવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવાની તૈયારી કરે છે. સંઘના રાષ્ટ્રીયતા પરના એકાધિકારનો સામનો કરવા માટે આ યોજના વિચારાઇ છે.

આ કાર્યક્રમમાં ચર્ચા સભા પણ યોજાશે જેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂના સિધ્ધાંતો પર આધારિત રાષ્ટ્રીયતા, બિનસાંપ્રદાયિકતા, સહિષ્ણુતા અને વિવિધતા પર આધારિત હશે તેમ સેવાદળના એક વરિષ્ઠ કાર્યકરે માહિતી આપી હતી. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી સમક્ષ આ બાબત રજૂ કરાશે. તેમની મંજૂરી મળતા સેવાદળને સક્રિય કરાશે.

સેવાદળ અને સંગઠનરૂપે ઉભુ કરવાની પણ તૈયારી ચાલી રહી છે તે માટેની રૂપરેખા પણ તૈયાર કરાઇ છે. જે સોમવારે રાહુલ ગાંધીની હાજરીમાં જાહેર કરાશે. તેમ સેવાદળના વડા લાલજીભાઇ દેસાઇએ પત્રકારોને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગત કેટલાક વર્ષો દરમિયાન સેવાદળ અગાઉ જેટલું સક્રિય ન હતું અને કોંગ્રેસના કાર્યક્રમના આયોજનથી તેને દૂર રખાતું હતું અને હવે તેને મજબૂત કરવા પ્રયાસ કરીએ છીએ.

અમે હવે રાષ્ટ્રનિર્માણ, દેશ સેવા, સેવાદળનો વિકાસ અને પક્ષ સાથેના સંગઠન માટે કાર્ય કરીશું.

આગામી ત્રણ મહિનામાં તાલિમ કેમ્પનું આયોજન કરાશે. જેમાં આવો પ્રથમ કેમ્પ ૧૧ જૂને મણિપુરમાં યોજાશે. જેમાં દેશના પૂર્વ ભાગના સેવાદળ સ્વયંસેવકો અને અધિકારીઓ ભાગ લેશે.(૨૧.૧૬)

 

(1:08 pm IST)